Relationship: આજના સમયમાં સોશિયલ મીડિયા પર ‘બૅર મિનિમમ (Bare minimum) Vs પ્રિન્સેસ ટ્રીટમેન્ટ (Princess Treatment)’ નામનો એક નવો ટ્રેન્ડ ઘણી ઝડપથી વારયલ થઇ રહ્યો છે. આ રિલેશનશિપ ટ્રેન્ડમાં સંબંધવિષયક સવાલો કરવામાં આવે છે. આ અંતર્ગત, લવ પાર્ટનર દ્વારા તમારી સાથે પ્રામાણિકતાપૂર્વક વાત કરવી, તમારી પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો અને ઝીણી-ઝીણી બાબતોની કાળજી લેવી- આ સંબંધમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. આજની ભાગદોડભરી જિંદગીમાં, કામધંધાનો થાક, લાગણીવિષયક બાબતોમાં ઓછું આવવું (ઇમોશનલ બર્નઆઉટ) અને ડૅટિંગ કલ્ચરના ફલવા-ફૂલવાને કારણે યુગલોના સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. આ જ કારણે હવે નાની-નાની વાતોને પણ લોકો પ્રેમ સમજી બેસે છે! કોઇ વ્યક્તિ, ફક્ત આપણા મેસેજનો પ્રત્યુત્તર આપવાની તસ્દી લે તો પણ આપણને એવું જ લાગે છે કે જાણે એણે મોટું અહેસાન કર્યું હોય!
શું છે ‘બૅર મિનિમમ’ વાળો આ નવો ટ્રેન્ડ?
‘બૅર મિનિમમ’નો અર્થ, કેવળ ફૂલો આપવા કે પ્રશંસા કરવી એ નથી. આજકાલ લોકો સંબંધોથી, ફાલતુ નાટકબાજીથી અને હૈયું ભાંગી પડવાના ડ્રામાથી થાકી ગયાં છે. એવામાં જો કોઇ વ્યક્તિ આપણા પર થોડુંઘણું ધ્યાન આપે, જેમ કે મેસેજનો પ્રત્યુત્તર આપવો અથવા તો મળવાની યોજના બનાવવી, તો એની આ વર્તણૂક આપણને બહુ વિશેષ લાગવા લાગે છે. પરંતુ હકીકતમાં જોઇએ તો એનું આ સઘળું વર્તન કંઇ ખાસ નહિ પણ સામાન્ય બાબત છે એ દ્રષ્ટિકોણથી જોવું જોઇએ.
નિષ્ણાતના મતે, જો તમે અન્યની નાની-નાની ક્ષુલ્લક વાતોને પણ વજૂદ આપવા લાગશો, તો પણ લોકો સામે તમને એટલો ભાવ નહિ જ આપે! વિશેષમાં એમનું એ પણ કહેવું છે કે, જયારે તમે તમારા લવ પાર્ટનર અને એના સંબંધોની હૂંફથી ઘણા લાંબા સમય સુધી દૂર થઇ ગયા હો, તો એની નાની-નાની વાતો પણ તમને મોટી લાગવા લાગે છે. સંબંધમાં કટકે-કટકે જે કંઇ ખુશી મળે છે, એ દાયરામાં જીવવાનું આપણે શીખી લીધું છે અને સાચો પ્રેમ શું છે એ તો લગભગ ભૂલતાં જઇએ છીએ!
પ્રિન્સેસ ટ્રીટમેન્ટ
‘પ્રિન્સેસ ટ્રીટમેન્ટ’ એક એવી ટર્મ છે કે જે લવ પાર્ટનર દ્વારા વિશેષરુપે કરવામાં આવતી વર્તણૂકને વ્યાખ્યાયિત કરે છે. આ અંતર્ગત કોઇ છોકરી કે મહિલાને, જાણે કે એ એક રાજકુમારી ન હોય એવા ભાવથી, વિશેષ સંભાળ લઇને પ્રેમપૂર્વક અને આરામથી ટ્રીટ કરવામાં આવે છે. એમાં આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
છોકરીના કહ્યાં વિના જ એની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો.
સરપ્રાઇઝ ગિફ્ટ્સ આપવી કે વહાલભર્યા મેસેજ કરવા.
જો દિવસ ખરાબ વીત્યો હોય, તો સ્ત્રીમિત્રનો મૂડ સારો થાય એવી કોશિશ કરવી.
સન્માનપૂર્વક એના માટે દરવાજો ખોલવો કે પછી બેસવા માટે ખુરશી ઑફર કરવી.
સ્ત્રીમિત્રને ખુશી તથા સગવડ મળે એ બાબતને સૌથી ઉપરના ક્રમે રાખવી.
હંમેશાં યાદ રાખો
અહીં પ્રસ્તુત ચર્ચાનો મૂળ હેતુ ફક્ત રૉમેન્ટિક વાતો કે મોટી-મોટી ભેટ-સોગાદો સુધી જ સીમિત નથી, પરંતુ આ મુદ્દે મહિલાઓને એક જરુરી સંદેશ આપવાનો પણ છે કે હંમેશાં પોતાના સ્ટાન્ડર્ડને ઊંચુ રાખો. પ્રેમસંબંધમાં ફક્ત પાયાની બાબતોથી ખુશ ન થઇ જાઓ. નાની વસ્તુઓથી મન ન મનાવી લો અને સામેવાળાની મામૂલી હરકતોને વજૂદ આપવાનું બંધ કરો, કારણ કે સાચો પ્રેમી તો સારા-ખરાબ ગમે તે સંજોગોમાં પોતાની પ્રણયસંગિની માટે બધું જ કરી છૂટવા માગે છે. પ્રેમસંબંધમાં, ફૂલો અને મેસેજથી પણ વધારે જરુરી છે સમર્પણ, સમજદારી અને બરાબરીની ભાવના. એટલે જ સમજૂતી કરવાને બદલે તમારી અપેક્ષાઓના પાલવને મજબૂતીથી પકડી રાખો અને પછી તમારા જીવનમાં એક એવી સાચી વ્યક્તિના આગમનની રાહ જુઓ કે જે એને પૂરી કરવામાં લગીરે પીછેહઠ ના કરે.
આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
