Mahisagar Farmers Maize Purchase Controversy: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે શરૂ કરાયેલી ટેકાના ભાવે મકાઈની ખરીદીની પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ મહીસાગર જિલ્લામાં મોટો વિવાદ સામે આવ્યો છે. ખરીદી કેન્દ્ર પર પહોંચેલા ખેડૂતોને તંત્રના અણઘડ આયોજન અને અચાનક બદલાયેલા નિયમોના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાર મેસેજ આવ્યા બાદ એપીએમસી (APMC) માર્કેટ યાર્ડ પહોંચેલા ખેડૂતોની મકાઈનો પૂરો જથ્થો ખરીદવાને બદલે માત્ર ૭૫ મણ મકાઈ જ સ્વીકારવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ આખા મામલે નારાજ ખેડૂતોએ એકઠા થઈને અધિક જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

મેસેજ આપીને બોલાવ્યા, પણ ખરીદી માત્ર 75 મણની જ કરી!
ભોગ બનનાર સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકારની સિસ્ટમ દ્વારા તેમને અગાઉથી જ મોબાઈલ પર એસએમએસ (SMS) મોકલીને મકાઈ ખરીદીની ચોક્કસ તારીખ, સમય અને લાવવાના જથ્થા અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી. આ સરકારી મેસેજના ભરોસે મહીસાગરના અંતરિયાળ ગામડાઓમાંથી અનેક ખેડૂતો મોટું ટ્રેક્ટર ભાડે કરીને, મજૂરો રોકીને પોતાની આખી સીઝનની મકાઈ વેચવા માટે ઉત્સાહભેર APMC સેન્ટર પર પહોંચ્યા હતા.
જો કે, ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર અધિકારીઓએ નવીનતમ પરિપત્રનો હવાલો આપીને ખેડૂતોને મોટો ઝટકો આપ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કહી દેવાયું કે ગમે તેટલો જથ્થો લાવ્યા હો, પણ નિયમ મુજબ અત્યારે માત્ર 75 મણ મકાઈની જ ખરીદી કરવામાં આવશે.
Mahisagar : ટ્રેક્ટર ભાડું અને મજૂરી માથે પડી
સરકારના આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે સરકારી મેસેજમાં લખેલા આંકડા મુજબ જ સંપૂર્ણ જથ્થો લઈને આવ્યા હતા. પરંતુ, અહીં માત્ર આંશિક ખરીદી થતાં અમારે બાકીની મકાઈ પાછી ઘરે લઈ જવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.”
ખેડૂતોને એક તરફ ગામડેથી APMC સુધી આવવાનું ટ્રેક્ટરનું તોતિંગ ભાડું અને મજૂરોની મજૂરીનો ખર્ચ માથે પડ્યો છે. હવે જો બાકી રહેલું અનાજ પાછું લઈ જવું પડે, તો ફરીથી ડબલ ભાડું અને મજૂરી ચૂકવવી પડે તેમ છે. આ આર્થિક નુકસાનની વચ્ચે હવે બાકી રહેલા અનાજનું શું કરવું અને ક્યાં સાચવવું, તે અંગે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે.

અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
આ અન્યાય સામે મહીસાગરના ખેડૂતોએ એક થઈને વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોના એક મોટા પ્રતિનિધિમંડળે અધિક જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચીને તેમને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે વહીવટીતંત્રે અગાઉ મોકલેલા સત્તાવાર મેસેજને માન્ય રાખીને ખેડૂતો જે પણ જથ્થો લાવ્યા છે તે તમામ મકાઈની ટેકાના ભાવે પૂરેપૂરી ખરીદી કરવી જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન ભોગવવું પડે. હાલમાં આ મુદ્દાને લઈને મહીસાગર જિલ્લાના ખેડૂતો અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે ભારે અસંતોષ અને તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિનાના અંતે પ્રિ-મોનસૂન વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે મેઘરાજા
આ પણ વાંચો: અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાના આપ્યા સંકેત, જાણો કઈ તારીખથી મેઘરાજા કરશે એન્ટ્રી
આ પણ વાંચો: ગીરની ધરા પર મેઘમહેર! પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામમાં મેઘરાજાએ કરી પધરામણી
