Surat News/ હજીરામાં L&T પ્લાન્ટમાં PM મોદી 45 મિનિટનું નિરીક્ષણ કરશે

વડાપ્રધાન મોદી (PM Modi)ની હજીરા મુલાકાતને લઈને સુરક્ષા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે

Gujarat Surat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)આગામી 5 જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે

Surat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)આગામી 5 જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના પ્લાન્ટમાં ખાસ મુલાકાત લેશે અને દેશના સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. વડાપ્રધાનનો આ કાર્યક્રમ રાષ્ટ્રીય સુરક્ષા અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન હજીરા L&T (Hazira L&T Plant)પ્લાન્ટમાં આશરે 45 મિનિટ સુધી રોકાશે. આ દરમિયાન તેઓ કંપનીના ટોચના અધિકારીઓ અને એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી મેળવશે. દેશની સુરક્ષા ક્ષમતા મજબૂત બનાવવા માટે વિકસાવવામાં આવી રહેલી ટેક્નોલોજી અને ઉત્પાદન પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવશે.

પ્રોટોકોલમાં ખાસ ફેરફાર

વડાપ્રધાન મોદી (PM Modi)ની હજીરા મુલાકાતને લઈને સુરક્ષા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્લાન્ટની અંદર યોજાનારી સમીક્ષા બેઠક દરમિયાન રાજ્યના વરિષ્ઠ રાજકીય નેતાઓ પણ હાજર નહીં રહે. સંરક્ષણ પ્રોજેક્ટ્સના ટેકનિકલ અને વ્યૂહાત્મક પાસાઓને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

એરપોર્ટથી હજીરા અને પછી ઈન્ડોર સ્ટેડિયમ

વડાપ્રધાન દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હજીરાના L&T પ્લાન્ટ જવાના છે. પ્લાન્ટ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી એરપોર્ટ પરત આવશે અને ત્યારબાદ રોડ માર્ગે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

ઈન્ડોર સ્ટેડિયમમાં 20 હજારથી વધુ લોકોની હાજરીની શક્યતા

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ માટે તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંદાજે 20 હજારથી વધુ લોકો કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને કાર્યક્રમના સંચાલન માટે વિવિધ વિભાગો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન મેસેજ

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સમગ્ર કાર્યક્રમને ગ્રીન થીમ સાથે જોડવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને ઈલેક્ટ્રિક વાહન (EV) દ્વારા કાર્યક્રમમાં આવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સાથે જ કાર્યકરોને સાયકલ, જાહેર પરિવહન અને અન્ય પર્યાવરણમિત્ર વિકલ્પોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન

વડાપ્રધાન મોદી (PM Modi)ના પ્રવાસને અનુલક્ષીને સુરતમાં વિશાળ સ્તરે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા પર્યાવરણ જાગૃતિ અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન હજારો લોકો પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જોડાશે.


આ પણ વાંચો : સુરતના હજીરામાં L&Tના 5000 શ્રમિકોનું હિંસક આંદોલન, જાણો શું છે શ્રમિકોની મુખ્ય માંગણીઓ?

આ પણ વાંચો : હાઈકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર ₹250 કરોડનું યાર્ન અટવાયું

આ પણ વાંચો : સુરતમાં હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા SMP-3 પ્લાન્ટમાં કામદારોની હડતાળથી અરાજકતા