Mahudi Jain Temple Gold Dispute: જ્યાંની સુખડી વિશ્વભરમાં પ્રખ્યાત છે તેવા ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી મંદિરમાં હાલ ભારે વિવાદ જાગ્યો છે. ભગવાનના શરણોમાં ચઢાવવામાં આવેલા 130 કિલો સોનાનો કોઈ હિસાબ ન હોવાના ગંભીર આક્ષેપો ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 14 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ અને સોનાના મામલે હવે ટ્રસ્ટીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.
Mahudi Jain Temple : શું છે ગંભીર આક્ષેપો?
મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાએ વર્તમાન વહીવટદારો સામે ગંભીર આક્ષેપો સાથે મોરચો માંડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મંદિરના ખજાનામાં રહેલા 130 કિલો સોનામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. આ ઉપરાંત, નોટબંધી સમયે કમિશન લઈને નાણાં બદલવાનો આર્થિક લાભ લેવાયો હોવાનો અને સંસ્થાના નાણાંમાંથી અંગત મિલકતો તેમજ દોઢ કરોડના ખર્ચે 5 કન્ટેનર ખરીદાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે માણસા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ૨૮ થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેને પગલે અંકિત મહેતાએ સરકાર પાસે એવી માંગ કરી છે કે આ ટ્રસ્ટનો વહીવટ તાકીદે સરકાર પોતાના હસ્તક લઈ લે.

ભૂપેન્દ્ર વોરાનો પલટવાર
બીજી તરફ, ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અંકિત મહેતા અને જયેશ મહેતાનું પદ રદ કરી દેવામાં આવ્યું હોવાથી વર્ષ ૨૦૨૪ થી તેમને ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બંને દ્વારા ખોટા કાગળો રજૂ કરવામાં આવ્યા હોવાથી ચેરિટી કમિશનરે પણ ઓર્ડર રદ કર્યો છે અને ટ્રસ્ટમાંથી દૂર કરાયા હોવાથી વેર વાળવા માટે તેઓ આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે. ભૂપેન્દ્ર વોરાએ અંકિત મહેતા સામે ગંભીર આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું હતું કે અંકિત મહેતા સામે અગાઉ પાસા (PASA) હેઠળની કાર્યવાહી પણ થયેલી છે.
100 વર્ષ જૂની સંસ્થામાં ભંગાણ
મહુડી તીર્થની સ્થાપના 100 વર્ષ પહેલા ચાર પરિવારો (બે મહેતા, એક શાહ અને એક વોરા પરિવાર) દ્વારા કરવામાં આવી હતી. વર્ષોથી સુખડીના પ્રસાદ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ મંદિરમાં હવે સત્તા અને સોનાના હિસાબને લઈને પરિવારવાદની આંતરિક લડાઈ જાહેર રસ્તે આવી ગઈ છે.
આ પણ વાંચો: મહુડી મંદીરમાંથી 130 કિલો સોનાના થઈ ચોરી, હાઈકોર્ટમાં કરાઈ જાહેરહિતની અરજી
આ પણ વાંચો: મહુડી મંદિર વર્ષ પછી ફરીથી વિવાદમાઃ ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ
આ પણ વાંચો: મહુડી તીર્થ વિવાદ! ‘ચોરીમાં પકડાયેલા લોકોની દાગીના અને ટ્રસ્ટની સંપત્તિ પર નજર’, ભૂપેન્દ્ર વેરાનો આક્ષેપ
