Surat News/ સુરત સિવિલમાં ગંભીર બેદરકારીનો આરોપ: 108માં આવેલી 16 વર્ષની સગીરાને સારવાર વગર OPDમાં મોકલી, કેસ બારી પર જ બેભાન થઈ ઢળી પડી

સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં સારવારમાં બેદરકારીનો ગંભીર આરોપ સામે આવ્યો છે. એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવેલી સગીરાને ઇમરજન્સી સારવાર આપવાને બદલે ના OPD માં મોકલવામાં આવતા સગીરાની તબિયત વધારે ખરાબ થતા તે ઢળી પડી હતી.

Gujarat Surat Breaking News
surat civil hospital

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સારવારમાં બેદરકારીના આક્ષેપોને લઈને ચર્ચામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવેલી 16 વર્ષની કિશોરીને ઇમરજન્સીમાં પૂરતી સારવાર આપવાના બદલે OPDમાં મોકલી દેવામાં આવી હોવાનો આરોપ છે.

Surat Civil Hospital માં ગંભીર બેદરકારીનો આરોપ 

108ની ટીમ કિશોરીને તાત્કાલિક સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર (Emergency Treatment)માં લઈ આવી હતી,  ઇમરજન્સી વિભાગમાં હાજર રેસિડેન્ટ ડોક્ટરે દર્દીની ગંભીર સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના OPDના રૂમ નંબર 12માં તપાસ માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાએ સવાલ ઊભો કર્યો છે કે 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીને ઇમરજન્સી સારવાર વિના સીધા OPDમાં મોકલવાનો નિર્ણય કેટલો યોગ્ય હતો.

કેસ બારી પાસે જ બેભાન થઈ ઢળી પડી

ડોક્ટરની સૂચના અનુસાર મુસ્કાન પોતાના પિતા અને 108ના કર્મચારી સાથે કેસ બારી પર OPDની પ્રક્રિયા પૂર્ણ કરવા પહોંચી હતી. ત્યાં લાઈનમાં ઉભી રહેતી વખતે તેની તબિયત વધુ બગડી ગઈ અને તે અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. તે સમયે હાજર સફાઈકર્મીઓએ સમયસૂચકતા દાખવી તરત જ કિશોરીને ઊંચકીને ફરી ઇમરજન્સી વિભાગમાં પહોંચાડી હતી, જ્યાં તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

હોસ્પિટલ તંત્રએ કર્યો બચાવ

ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે જ્યારે દર્દી (Patient)ને લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ સામાન્ય લાગતી હતી, તેથી તેને OPDમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. જોકે દર્દીના પરિવારજનોએ આ દલીલ સામે સવાલ ઉઠાવ્યો કે જો દર્દીની સ્થિતિ સામાન્ય હતી તો તેને 108 એમ્બ્યુલન્સ (Ambulance)દ્વારા હોસ્પિટલ લાવવાની જરૂર કેમ પડી? અને OPD સુધી પહોંચતાં પહેલાં જ તે બેભાન કેવી રીતે થઈ ગઈ?

બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. અશ્વિન વસાવાએ જણાવ્યું કે દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તપાસ માટે OPDમાં મોકલવામાં આવી હતી. જોકે OPD પહોંચતા પહેલાં જ તે બેભાન થઈ ગઈ હતી, જેના કારણે તેને તરત જ ફરી ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. હાલ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર હોવાનું તેમણે જણાવ્યું.

હોસ્પિટલની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ

આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર (Emergency Treatment)ની પ્રક્રિયા અને દર્દીઓ સાથેના વ્યવહાર અંગે ફરી ચર્ચા જગાવી છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવેલા દર્દીને યોગ્ય સમયે સારવાર મળી હોત તો આવી સ્થિતિ સર્જાઈ હોત કે નહીં તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે, પરંતુ ઘટનાની તપાસ બાદ જો કોઈની બેદરકારી સામે આવશે તો તેના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: દિલ્હીની GTB હોસ્પિટલમાં દર્દી પર પંખો પડતાં મોત

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી! વ્હીલચેર ન મળતા ફ્રેક્ચર દર્દીને સગાઓએ ટેકો આપી ચલાવ્યો

આ પણ વાંચો: વડોદરાની સંજીવની હોસ્પિટલની બેદરકારીથી માતા-પુત્રના મોતના આક્ષેપ, પરિવારજનોમાં આક્રોશ