New Delhi News : દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (GTB Hospital)માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા 42 વર્ષીય દર્દી મોહમ્મદ અકબર પર અચાનક છતનો પંખો તૂટી પડતાં (Fan Collapse)તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત (Accident)બાદ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી, પરંતુ થોડા કલાકોમાં દર્દીનું મૃત્યુ (Patient Death)થયું. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને જાળવણીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

માહિતી અનુસાર, ઘટના શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ઇમરજન્સી વોર્ડ-27માં બની હતી. તે સમયે નર્સિંગ ઓફિસર દર્દીની સારવાર કરી રહ્યા હતા ત્યારે છતનો પંખો તૂટી સીધો દર્દીના બેડ પર પડ્યો હતો. અકસ્માતમાં સારવાર કરી રહેલા નર્સિંગ ઓફિસરને પણ ઈજા પહોંચી હતી.
દર્દી પહેલાથી ગંભીર બીમારીઓથી પીડાતા હતા
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહમ્મદ અકબરને 18 જુલાઈએ તેમના ભાઈ દ્વારા GTB Hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હાઇપરટેન્શન, મેનિન્ગોએન્સેફાલાઇટિસ અને એસ્પિરેશન ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા મૃત્યુ પ્રમાણપત્રમાં આ બીમારીઓને પણ મૃત્યુના કારણોમાં સામેલ કરવામાં આવી છે. જોકે, પરિવારનું કહેવું છે કે સારવાર દરમિયાન દર્દી પર પંખો પડવાની ઘટના અત્યંત ગંભીર બેદરકારી દર્શાવે છે.
પરિવારની તપાસની માંગ
રવિવારે સવારે હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ સારવારની ગુણવત્તા અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે જો હોસ્પિટલમાં સમયસર જાળવણી કરવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાય તેમ હતો. પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
ઘટના બાદ GTB હોસ્પિટલના વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અકસ્માત કેવી રીતે બન્યો અને તેની તપાસ માટે શું પગલાં લેવામાં આવશે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલ સમગ્ર મામલે હોસ્પિટલની કામગીરી અને સુરક્ષા ધોરણોને લઈને ચર્ચા તેજ બની છે.
