Gandhinagar News/ મહિલા પ્રોફેસર સાથે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા બાદ 13.37 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ

ગાંધીનગરની મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે સાયબર ઠગાઈ. મેટ્રોમોનિયલ સાઇટ મારફતે મિત્રતા કેળવી વિશ્વાસ જીત્યો અને 13 લાખથી વધુની રકમ ગઠીયાએ ખંખેરી લીધી.

Gujarat Gandhinagar Top Stories Breaking News
professor

Gandhinagar News: ગાંધીનગરની  મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે વિશ્વાસઘાત અને સાયબર ઠગાઈનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, મેટ્રોમોનિયલ સાઇટ પર પરિચયમાં આવેલા એક વ્યક્તિએ મિત્રતા અને વિશ્વાસનો લાભ લઈને સર્જરી દરમિયાન 13.37 લાખની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

36 વર્ષીય મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર (professor) સાથે સાયબર ઠગાઈ

ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી 36 વર્ષીય મહિલા સાથે વિશ્વાસનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની સાયબર ઠગાઈ (Cyber Crime)કરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, મેટ્રોમોનિયલ વેબસાઇટ મારફતે પરિચયમાં આવેલા એક વ્યક્તિએ ધીમે-ધીમે વિશ્વાસ કેળવીને મહિલા પ્રોફેસરની નાણાકીય માહિતી મેળવી અને યોગ્ય તક મળતાં તેમના બેંક ખાતામાંથી કુલ ₹13.37 લાખની છેતરપિંડી કરી.

મેટ્રોમોનિયલ સાઇટ પરથી થયો હતો પરિચય

ફરિયાદ મુજબ, મૂળ લખનઉના અને હાલ ચિલોડા ખાતે રહેતી મહિલા પ્રોફેસર છેલ્લા સાડા ચાર વર્ષથી લવાડ સ્થિત RRUમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આશરે એક વર્ષ પહેલાં તેમનો પરિચય ‘બેટર હાફ’ મેટ્રોમોનિયલ સાઇટ (Matrimonial Fraud)પર ભુજના મૂળ વતની અને હાલ બેંગલુરુમાં રહેતા હિતેશ ધીરેન્દ્ર ઠક્કર સાથે થયો હતો. શરૂઆતમાં વાતચીત બંધ થઈ ગઈ હતી, પરંતુ મે 2026માં આરોપીએ ફરી સંપર્ક સાધતાં બંને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ હતી.

વિશ્વાસ જીતી આચરી છેંતરપિંડી

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ મહિલા પ્રોફેસરના સ્વાસ્થ્ય અને વધેલા વજનને ધ્યાનમાં રાખીને બેરિયાટ્રિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન આરોપીએ વિશ્વાસ જીતતા તેમના મોબાઇલ ફોન અને નેટ બેંકિંગ સંબંધિત માહિતી મેળવી લીધી હતી. ફરિયાદ મુજબ, 15 મેના રોજ જ્યારે મહિલા પ્રોફેસરની સર્જરી ચાલી રહી હતી, ત્યારે તેમનો મોબાઇલ આરોપી પાસે હતો. આ સમય દરમિયાન આરોપીએ મોબાઇલના ફિંગરપ્રિન્ટ લોકમાં પોતાની ફિંગરપ્રિન્ટ ઉમેર્યાનો આરોપ છે.

FD તોડી અને ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ

પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીને મહિલા પ્રોફેસરના બેંક ખાતામાં મોટી રકમ હોવાની જાણ હતી. તેથી તેણે તેમની જાણ બહાર 18.15 લાખની ફિક્સ ડિપોઝિટ તોડી હોવાનો આરોપ છે. આમાંથી હોસ્પિટલનું બિલ અને દવાઓના ખર્ચની ચુકવણી કર્યા બાદ બાકી રહેલી રકમમાંથી 17 અને 18 મેના રોજ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને લગભગ 12.50 લાખ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત 31 મેના રોજ વધુ 50 હજાર અને ક્રેડિટ કાર્ડ મારફતે 87,402ના ટ્રાન્ઝેક્શન કરીને કુલ ઠગાઈની રકમ 13.37 લાખ સુધી પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ (Gandhinagar Cyber Crime)પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બેંક રેકોર્ડ, મોબાઇલ ફોરેન્સિક, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે ઓનલાઇન પરિચય બાદ કોઈપણ વ્યક્તિ સાથે બેંકિંગ પાસવર્ડ, OTP, મોબાઇલ ઍક્સેસ અથવા બાયોમેટ્રિક માહિતી શેર ન કરે અને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં પૂરતી સાવચેતી રાખે.


આ પણ વાંચો:IPO એલોટમેન્ટના નામે ₹69.63 લાખની સાયબર ઠગાઈ, ગાંધીનગરની મહિલા લેબ ટેકનિશિયન ઈન્સ્ટાગ્રામ જાહેરાતમાં ફસાઈ

આ પણ વાંચો:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.2.30 કરોડની સાયબર ઠગાઈ

આ પણ વાંચો:અમદાવાદમાં શેર માર્કેટ રોકાણના નામે 31 લાખની સાયબર ઠગાઈ, નિવૃત્ત વૃદ્ધ બન્યા શિકાર