સફળતા/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરના આતંકીની ધરપકડ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પોલીસ અને સેનાએ લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીના કબજામાંથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે

Top Stories India
Jammu kasmir જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, લશ્કરના આતંકીની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પોલીસ અને સેનાએ લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીના કબજામાંથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. બાંદીપોરાના ચંદરગીર હાજીન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાની ઓળખ શબ્બીર અહેમદ ડાર તરીકે જાહેર કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે, લશ્કર સાથે જોડાયેલા TRF આતંકવાદીઓ વિશે માહિતી મળતાં, બાંદીપોરા પોલીસે સૈન્ય સાથે મળીને ચક-ચંદરગર હાજિનમાં નાકા ગોઠવ્યો હતો. આ દરમિયાન રાહદારીઓ અને વાહનોની તલાશી લેતા એક શકમંદે નાકા પાર્ટીને જોઈને પોતાની હાજરી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જે ચતુરાઈથી ઝડપાઈ ગયો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિની તલાશી લેતા તેની પાસેથી 1 ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યો હતો અને પૂછપરછ બાદ તેણે કરેલા ખુલાસા પર 1 ચાઈનીઝ પિસ્તોલ, 1 પિસ્તોલ મેગેઝિન, 4 પિસ્તોલ રાઉન્ડ અને 2 વધુ ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે કહ્યું કે TRF આતંકી સંગઠનનો હાઇબ્રિડ આતંકવાદી હોવાને કારણે તે પાકિસ્તાનમાં સરહદ પાર બેઠેલા લાલા ઉમર અને હુઝૈફા જેવા માસ્ટર્સની સૂચનાઓ પર કામ કરતો હતો. તે અબ્બાસ શેખ (હવે માર્યા ગયેલા) અને સક્રિય આતંકવાદી બાસિતના સંપર્કમાં હતો અને તેને બાંદીપોરા જિલ્લામાં, ખાસ કરીને હાજિનમાં સ્થાનિક આતંકવાદને પુનર્જીવિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. લશ્કર-એ-તૈયબાના સલીમ પારેના ખાત્મા પછી હાજીન વિસ્તારમાં કોઈ સ્થાનિક સક્રિય આતંકવાદી બચ્યો નથી.