China Bullet Train Derail/ ચીનમાં મોટી ટ્રેન દુર્ઘટના, બુલેટ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ડ્રાઈવરનું મોત

ગુઇયાંગથી ગ્વાગઝાઉ જતી બુલેટ ટ્રેન D2809ના બે ડબ્બા શનિવારે સવારે 10.30 વાગ્યે ભૂસ્ખલનને કારણે ગુઇઝોઉના એક સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા.

Top Stories World
બુલેટ ટ્રેન

દક્ષિણ પશ્ચિમ ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે શનિવારે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેન ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાય મુસાફરો ઘાયલ થયા છે. રાજ્ય સંચાલિત ચાઇના ડેઇલીના સમાચાર અનુસાર, રોંગજિયાંગ સ્ટેશન પર અચાનક ભૂસ્ખલનને કારણે ચીનના દક્ષિણ-પશ્ચિમ ગુઇયાંગ પ્રાંતથી દક્ષિણ પ્રાંત ગ્વાગઝાઉ તરફ જઇ રહેલી બુલેટ ટ્રેન D2809ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેન ચાલકનું મોત થયું હતું.

ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર, ગુઇયાંગથી ગ્વાગઝાઉ જતી બુલેટ ટ્રેન D2809ના બે ડબ્બા શનિવારે સવારે 10.30 વાગ્યે ભૂસ્ખલનને કારણે ગુઇઝોઉના એક સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. બાદમાં, ટ્રેનના ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું જ્યારે સાત મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. અહેવાલો અનુસાર, બુલેટ ટ્રેનના સાતમા અને આઠમા ડબ્બા યુએઝાઈ ટનલના પ્રવેશદ્વાર પર પાટા પરથી ઉતરી ગયા હતા.

તમામ ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અન્ય 136 મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર અનુસાર રોંગજિયાંગ સ્ટેશન ગુઇઝોઉના રોંગજિયાંગ કાઉન્ટીમાં આવેલું છે. તે ચીની રેલ્વેના ચેંગડુ બ્યુરો દ્વારા સંચાલિત વર્ગ III સ્ટેશન છે. તેનું બાંધકામ ડિસેમ્બર 2013માં શરૂ થયું હતું અને 26 ડિસેમ્બર 2014ના રોજ અહીંથી રેલ કામગીરી સત્તાવાર રીતે શરૂ થઈ હતી.

આ પણ વાંચો:શું ભારતીય કાયદો આત્મવિવાહ કરવાની આપે છે મંજૂરી? ક્ષમાના લગ્ન પર ઉઠ્યા સવાલ 

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકાના 4 ખેલાડીઓ ભારતીય ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે

આ પણ વાંચો:ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી