Lifestyle: ઉનાળાની ગરમીમાં કેરીનો સ્વાદ સૌ કોઇના મનને લોભાવે છે! એમાંયે વળી એક હૅલ્ધી અને ટેસ્ટી ડેઝર્ટ મેંગો ફ્રૂટ કસ્ટર્ડ (Mango Fruit Custard) ખાવા મળી જાય તો પછી મજા જ મજા!
અહિં અમે તમને એક એવી રેસિપી જણાવવા જઇ રહ્યા છીએ જેમાં ન તો કસ્ટર્ડ પાવડરની જરુર છે, ન તો ખાંડની જરુર કે ન તો ક્રીમની..! આ મેંગો કસ્ટર્ડ અત્યંત ક્રીમી અને સ્વાદિષ્ટ બને છે. આ વાનગીની ખાસ બાબત એ છે કે, એ ઝટપટ બની જતી રેસિપી છે જેને તમે થોડી મિનિટમાં જ તૈયાર કરી શકો છો!

કેરી અને અન્ય ફળ ખાવાના સ્વાસ્થ્યલાભ (Fruits Health Benefits)
આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ કે, ફળોનું સેવન આપણા સ્વાસ્થ માટે ઉત્તમ છે. વિટામિન, ખનીજ, એન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર એવા ફળોને ખાવાથી ઘણા સ્વાસ્થ્યલાભ મળે છે. એવામાં દરેક વ્યક્તિને પોતાના આહારમાં ફળોનો સમાવેશ કરવાની સલાહ મળે છે. અલબત્ત, એમાંથી અમુક ફળો એવા છે કે જેને સમારીને ખાવા પડે છે જ્યારે કેટલાક ફળોને તમે સીધા જ ખાઇ શકો છો. ગળ્યું ખાવાની તલપને સંતોષવા માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ એ ફળ છે.
ઉનાળા (Summer)નો રાજા ગણાતી કેરીમાંથી લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાં કેરીનો રસ, આમ પાપડ, અથાણાં, પુડિંગ, આઇસક્રીમ અને ફ્રુટ કસ્ટર્ડ મુખ્ય છે. આ પૈકી ઠંડક પ્રદાન કરતી વાનગી (Recipe) જોઇએ તો એ છે ઠંડુ-ઠંડુ મેંગો ફ્રૂટ કસ્ટર્ડ! તો ચાલો, જાણી લઇએ એને શી રીતે બનાવવું…
શી રીતે બનાવશો મેંગો ફ્રુટ કસ્ટર્ડ? (Mango Fruit Custard Recipe)
મેંગો ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ મખાના
2 કપ દૂધ
15-20 બદામ
10-12 કાજુ
1 મોટી ચમચી પિસ્તા
1 મોટી ચમચી સૂરજમુખીના બીજ
4-5 અંજીર
1 નાની ચમચી ઈલાયચી પાવડર
10-12 કેસરના તાંતણા
આવશ્યકતા અનુસાર મનપસંદ ફ્રૂટ
પાકી કેરી
કેળા
કાળી દ્રાક્ષ
ચીકુ
પપૈયું
દાડમના દાણા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મેંગો ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે બદામ (Almond)ને 6 થી 7 કલાક સુધી પાણી ભીંજાવીને રાખો. ત્યારબાદ, એની છાલ કાઢી લેવી.
2. હવે પાકી કેરી તથા અન્ય ફળોને પાણીથી સારી રીતે ધોઈને બારીક સમારી લેવા.
3. એક કપ મખાના લઇને એમાં છાલ કાઢેલી બદામ, પિસ્તા, સૂરજમુખીના બીજ, ઈલાયચી પાવડર, એક કેરી, અંજીર, કેળું તથા થોડું દૂધ ઉમેરવું.
4. તમામ સામગ્રીને મિક્સર જારમાં નાખીને બ્લેન્ડ કરી એકરસ બનાવી લો. હવે એમાં જોઇતું દૂધ ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી લો.
5. આ મિશ્રણમાં બારીક સમારેલા ફ્રૂટ્સ ઉમેરો અને હલાવીને ઠંડુ થવા ફ્રીઝમાં મૂકી દો.
તો તૈયાર છે તમારું કસ્ટર્ડ પાવડર, ક્રીમ કે ખાંડ વિનાનું ક્રીમી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ…જેને ઠંડુ-ઠંડુ ખાવાની મજા પડી જશે!
આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?
આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!
