Manipur Violence News Today: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે, જેમાં તોફાની તત્વોએ અંદાજે 30 જેટલા ઘરોને આગ ચાંપી દીધી છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા સરકાર દ્વારા તુરંત અસરથી આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
નાગા સમુદાય પર હુમલો
મળતી માહિતી મુજબ, ઉખરુલના તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાએ હિંસક વળાંક લીધો હતો. જોતજોતામાં હિંસા ફેલાઈ ગઈ અને તોફાની તત્વોએ રસ્તા પર ઉતરી આવી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
30 ઘરો ખાખ, ગોળીબારથી દહેશત
હિંસા દરમિયાન ઉખરુલમાં આવેલા આશરે 30 જેટલા ખાલી પડેલા ઘરોને નિશાન બનાવી આગ લગાડવામાં આવી હતી. આગની જ્વાળાઓ અને ગોળીબારના અવાજને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

Manipurના ઉખરુલમાં 5 દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ
સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ન ફેલાય અને હિંસા વધુ જિલ્લાઓમાં ન પ્રસરે તે હેતુથી મણિપુર સરકારે કડક પાગલું ભર્યું છે. ઉખરુલ જિલ્લામાં આગામી 5 દિવસ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠતા એકનું મોત, 27 ઘાયલ, ઇમ્ફાલ-દિમાપુર હાઇવે પરના વિસ્તારોમાં કર્ફ્યુ
આ પણ વાંચો:મણિપુર શાંતિના માર્ગે : વધુ પાંચ જિલ્લામાં બળવાખોરોએ હથિયારો મૂક્યા
