Ahmedabad News : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક સનસનીખેજ ઘટના સામે આવી છે. લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જોકે મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાની શક્યતા પણ નકારી નથી.
પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગી રહી હતી, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓએ તપાસની દિશા બદલી નાખી છે. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળ્યા છે, જેના કારણે આ બનાવ માત્ર આપઘાત છે કે પછી સામૂહિક હત્યા કરીને આપઘાતનો રંગ આપવાનો પ્રયાસ થયો છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, નાયબ મામલતદાર અને FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે, જે આ કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. પોલીસે હાલમાં સુસાઇડ નોટની સઘન ચકાસણી શરૂ કરી છે, જેથી મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. FSL ટીમ દ્વારા ઘટનાસ્થળ પરથી જરૂરી સેમ્પલો અને પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે.
હાલમાં પોલીસ મુખ્યત્વે આ મુદાઓ પર તપાસ કરી રહી છે કે આ આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે? શું આ ખરેખર સામૂહિક આપઘાત છે કે પછી હત્યાનો બનાવ? સુસાઇડ નોટમાં શું લખ્યું છે અને તે ખરાઈ કરવામાં આવી રહી છે. મૃતકોના ગળા પરના ઘા આપઘાતથી થયા છે કે હત્યાના ઇરાદે કરવામાં આવ્યા છે.ઘટનાની ગંભીરતા જોતા પોલીસ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ રહસ્ય પરથી પરદો ઉંચકાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો
આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો
આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ
