Telangana News: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. POCSO કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ સગીરા, તેની માતા અને નાની સહિત પોતાની પત્ની અને બે સંતાનોની પણ હત્યા કરી દીધી હોવાનો આરોપ છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
POCSO કેસના આરોપીનો ખૂની ખેલ, એક જ રાત્રે 6 હત્યા (Massacre)થી સનસનાટી
તેલંગાણાના રંગા રેડ્ડી (Ranga Reddy)જિલ્લામાં POCSO કેસના આરોપી રાજુ કુમારે કથિત રીતે છ લોકોની હત્યા કરી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતકોમાં POCSO કેસની સગીર પીડિતા, તેની માતા, નાની તેમજ આરોપીની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 35 વર્ષીય રાજુ કુમાર અગાઉ POCSO કેસમાં ધરપકડ બાદ જામીન પર બહાર હતો. આરોપ છે કે તેણે પહેલા સગીરાના પરિવાર પર હુમલો કર્યો અને ત્યારબાદ પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની પણ હત્યા કરી.
ઘટના બાદ પરિવારને ફોન કર્યો
પોલીસના જણાવ્યા મુજબ, હત્યાકાંડ બાદ આરોપીએ પોતાના માતા-પિતાને ફોન કરીને બંને પરિવારો (Double Family Murder)ને ખતમ કરી દીધા હોવાની જાણકારી આપી હતી અને આપઘાત કરવાની વાત પણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ આરોપી ફરાર છે અને તેની ધરપકડ માટે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મૃત સગીરાના કાકાએ આરોપ લગાવ્યો છે કે આરોપી અગાઉથી ધમકીઓ આપતો હતો છતાં પોલીસ દ્વારા સમયસર કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમનો દાવો છે કે પોલીસની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે. જોકે, આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. પોલીસ સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.
