Bhavnagar News/ ભાવનગરના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, 10 ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ભવસાગર ડેમ (Bhavsagar Dam)નો 15 નંબરનો ગેટ તૂટી પડતાં નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. વહીવટીતંત્રે નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ પર મૂકી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
ભાવનગરમાં Bhavsagar Damનો 15 નંબરનો ગેટ તૂટ્યો, પૂરના જોખમે તંત્ર સતર્ક

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમ (Bhavsagar Dam)માં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના 15 નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમ (Bhavsagar Dam)માંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

Bhavsagar Dam: 10 ગામોને એલર્ટ

જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.

નદી કિનારે જવા પર પ્રતિબંધ

વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જોવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.

Bhavsagar Dam પર મરામત કામગીરી શરૂ

સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. તૂટેલા ગેટની મરામત અથવા વૈકલ્પિક સ્ટોપ-લોગ ગેટ સ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય.


આ પણ વાંચો:ગુજરાતમાં સિઝનનો 24.63% વરસાદ: નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર, 7 દિવસ ભારે વરસાદની આગાહી નહીં

આ પણ વાંચો:રાજ્યમાં મેઘ મહેર યથાવત, નદી-ડેમ છલકાયા

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાનો મેગા રાઉન્ડ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અનેક ડેમ ઓવરફ્લો