Mehsana Corporation Land Dispute: મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા (મનપા) નો દરજ્જો મળ્યા બાદ ઊભો થયેલો જમીન કપાતનો વિવાદ હવે છેક ગાંધીનગર પહોંચ્યો છે. ટી.પી. અને ડી.પી. સ્કીમમાં 40% જમીન કપાત સામે નારાજ ખેડૂતોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપતા સરકાર હરકતમાં આવી છે. આ વિવાદનો ઉકેલ લાવવા માટે આજે મહેસાણાના 18 જેટલા ખેડૂત આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ખાસ બેઠક યોજી હતી.
કેમ નારાજ છે Mehsanaના ખેડૂતો?
મહેસાણાને મનપાનો દરજ્જો મળ્યા બાદ ટાઉન પ્લાનિંગ (TP) અને ડેવલપમેન્ટ પ્લાન (DP) ના નવા નિયમો અમલી બન્યા છે, જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે નવી યોજના હેઠળ તેમની કિંમતી જમીનમાંથી 40% જેટલી મોટી કપાત થવાની શક્યતા છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાની હિલચાલને પગલે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથા પર છે ત્યારે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ જાહેરાત કરી હતી કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે તો તેઓ મતદાન પણ નહીં કરે અને કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર કરવા દેશે નહીં. ખેડૂતોની આ નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બનતા મુખ્યમંત્રીએ પોતે મધ્યસ્થી કરવી પડી છે.
મુખ્યમંત્રીએ આપી ખાતરી
આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂત આગેવાનોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની તમામ સમસ્યાઓ અને રજૂઆતો મૂકી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વાત શાંતિથી સાંભળી હતી અને આ મામલે મધ્યમાર્ગ કાઢી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીની ખાતરી બાદ હવે ખેડૂતો તેમનું આંદોલન સમેટે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાણી છે.
આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા
આ પણ વાંચો: ભાજપે 1,300 કાર્યકરો સાથે મતદારો માટે વિશેષ મતદાર ટ્રેન બંગાળ મોકલી
