Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા.21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ (Millet Festival)અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026″નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મિલેટ મહોત્સવ અંગે થયેલી ચર્ચા અંગે વિગતો આપતા રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને વેગ આપીને તેમના વિઝનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે “ધરતીનું સોનું — શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ”ના સૂત્ર હેઠળ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાનો મુખ્ય મિલેટ મહોત્સવ (Millet Festival)કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેની સાથે જ રાજ્યની અન્ય સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે પણ એકસાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અન્ય મહાનગરપાલિકામાં આયોજિત મિલેટ મહોત્સવમાં વિવિધ મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી ઉત્સાહવર્ધન કરશે.
આ બે દિવસીય મહોત્સવ અંતર્ગત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અંદાજે ૮૫ સ્ટોલ અને રાજ્યના અન્ય શહેરોમાં કુલ 620 સ્ટોલ વિવિધ ખેડૂત મંડળીઓ, એફ.પી.ઓ. અને વ્યક્તિગત ખેડૂતોને કોઈપણ જાતના ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ આયોજનના માધ્યમથી ખેડૂતોને તેમના મિલેટ ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા અને મધ્યસ્થીઓ દૂર કરી યોગ્ય ભાવ અપાવવા માટેનું એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મિલેટ મહોત્સવ (Millet Festival)ને નાગરીકો માટે આકર્ષણનું કેન્દ્ર ગણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાગરિકો માટે આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન, એગ્રી-સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મહોત્સવની મુલાકાત લેતા નાગરીકો અહીં મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી કરવાની સાથે-સાથે તેની તાજી અને પૌષ્ટિક વાનગીઓનો લ્હાવો પણ માણી શકશે. રાજ્યના મહાનગરોમાં વસતા નાગરિકોને આ મહોત્સવની અચૂક મુલાકાત લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.
શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેતીને એકબીજાના પૂરક ગણાવતા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મિલેટ ઓછા પાણી અને રાસાયણિક ખાતર વગર ઉગી શકતા હોવાથી તે ગૌ-આધારિત ખેતી માટે અત્યંત ઉત્તમ છે. ગુજરાતમાં વધી રહેલા પ્રાકૃતિક ખેતીના વ્યાપને પ્રોત્સાહન આપી ધરતી માતાની રક્ષા કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો મુખ્ય આશય છે. ખેડૂતોની આવકમાં સીધો વધારો કરવાના પ્રયાસરૂપે યોજાનારો આ મહોત્સવ ગુજરાતના કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
