Mahisagar News:મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં ઓનલાઈન ગેમની આડમાં લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. GROKR અને Bon-chat નામની એપ્લિકેશન્સ દ્વારા ચાલતી આ ગેમમાં અનેક લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ એપ્લિકેશન્સના નામે વિડ્રોલની લાલચ આપીને લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવી હોવાનો આરોપ છે, પરંતુ વિડ્રોલ માટે KYC કે OTP જેવી કોઈ સુરક્ષા પ્રક્રિયા નથી.

સ્થાનિક સૂત્રો અનુસાર, આ ગેમમાં રમવા માટે લોકો પાસેથી ઓફલાઈન રૂ. 2.40 લાખ જેવી મોટી રકમ લેવામાં આવતી હોવાની ચર્ચા છે. આ રકમની લેવડ-દેવડમાં કોઈ વાઉચર કે પાવતી આપવામાં આવતી નથી, જે આ સમગ્ર પ્રકરણને વધુ શંકાસ્પદ બનાવે છે. આ ગેમનું સંચાલન ‘MITRO’ નામના WhatsApp ગ્રૂપ દ્વારા થાય છે, પરંતુ આ ગ્રૂપ કોણ ચલાવે છે અને ટ્રેડનું સંચાલન કોણ કરે છે તે રહસ્ય બની રહ્યું છે.

આ ગેમમાં વિડ્રોલની કોઈ સિસ્ટમ ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. રમનાર વ્યક્તિઓએ આ માટે રૂપિયા ક્યાંથી લાવ્યા અને આ રકમ કોના દ્વારા એકત્રિત કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય બન્યો છે. આ ઘટના સંદર્ભે WhatsApp ગ્રૂપ અને એપ્લિકેશનના ફોટો-વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જોકે આ વાયરલ કન્ટેન્ટની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ કરતું નથી.આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગને આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ ઉઠી છે, જેથી આ ઓનલાઈન ગેમના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ થઈ શકે અને ફસાયેલા લોકોને ન્યાય મળે.
આ પણ વાંચો:મહીસાગરમાં સગા કાકાએ ભત્રીજીને પીંખી નાંખી, બાળકીનાં માતાપિતા આઘાતમાં
આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
