Ahmedabad News/ Mission Cyber Rakshika: મહિલાઓને ઓનલાઈન હેરાન કરતા 8 આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

Gujarat Ahmedabad
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

Ahmedabad News :  મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અને સોશિયલ મીડિયા પર થતી ઓનલાઈન હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ, બ્લેકમેલિંગ તથા સાયબર શોષણ સામે કાર્યવાહી કરવા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવતા 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર  અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ડૉ. રવિના સિન્હા તથા મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાની દેખરેખમાં સાયબર ક્રાઈમ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

11 FIR બાદ સાયબર આરોપીઓ સુધી પહોંચી પોલીસ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓના નામે ફેક પ્રોફાઇલ બનાવી અભદ્ર વીડિયો, ઓડિયો અને મેસેજ મોકલી હેરાન કરતા હોવાની ફરિયાદો સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ફરિયાદ મળ્યા બાદ મહિલા અધિકારીઓ દ્વારા પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અલગ-અલગ કેસોમાં કુલ 11 FIR નોંધવામાં આવી હતી.

ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media ID)બનાવનાર આરોપીઓની ઓળખ માટે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાન સુધી તપાસનો વ્યાપ વધારીને પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

6 મહિનામાં 300 મહિલાઓને મેસેજ કર્યાનો આરોપ

પકડાયેલા આરોપીઓમાં સુરેશ પુરી અને કેતુર લક્કડ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ Public રાખતી મહિલાઓને નિશાન બનાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સુરેશ પુરીએ છેલ્લા છ મહિનામાં આશરે 10 અલગ-અલગ ફેક ID બનાવીને 300 જેટલી મહિલાઓને મેસેજ કર્યા હતા. આરોપી દ્વારા મહિલાઓને વાંધાજનક મેસેજ, અશ્લીલ ઓડિયો, વીડિયો અને અન્ય સામગ્રી મોકલવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

તે જ રીતે આરોપી કેતુર લક્કડે મહિલાઓના નામે 8 અલગ-અલગ ફેક ID બનાવી હતી. આ એકાઉન્ટના માધ્યમથી તે જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની મહિલા મિત્રોને સંપર્ક કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અગાઉ પણ LoveGuru બની મહિલાઓને ફસાવનાર આરોપીઓ ઝડપાયા

“Mission Cyber Rakshika” અભિયાન હેઠળ અગાઉ પણ સોશિયલ મીડિયા પર “LoveGuru” બની મહિલાઓ સાથે છેતરપિંડી કરતા બે આરોપીઓને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત યોગગુરુની ઓળખ આપી ફેક Instagram ID મારફતે મહિલાઓના પર્સનલ ફોટા મેળવી AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નકલી અશ્લીલ ફોટા તૈયાર કરી પીડિતાને મોકલી માનસિક ત્રાસ આપનાર એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.

વાંધાજનક પોસ્ટ અને એકાઉન્ટ દૂર કરવાની કાર્યવાહી

સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન મળેલા વાંધાજનક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને પોસ્ટને સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે Mission Cyber Rakshika – #SecureHerSpaceનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઈન વાતાવરણ ઊભું કરવાનો છે.

મહિલાઓ માટે સાયબર સુરક્ષાની મહત્વની સલાહ

  • શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા એકાઉન્ટ Private રાખો.
  • દરેક એકાઉન્ટ માટે અલગ અને મજબૂત Password રાખો અને 2FA ચાલુ કરો.
  • અજાણ્યા અથવા શંકાસ્પદ Followers અને Friend Requests દૂર કરો.
  • મોબાઈલ નંબર, ઘરનું સરનામું, દૈનિક રૂટિન અને Live Location જાહેર ન કરો.
  • અજાણ્યા DM, Friend Request અને Follow Request સ્વીકારવામાં સાવચેત રહો.
  • કોઈ વ્યક્તિ પોતાની ઓળખ પોલીસ, બેંક, સરકારી અધિકારી અથવા જાણીતી વ્યક્તિ તરીકે આપે તો તેની ઓળખ અલગ વિશ્વસનીય માધ્યમથી ચકાસો.
  • ફોટા અને વીડિયોના દુરુપયોગ, Morphing અથવા AI/Deepfakeની શક્યતાને ધ્યાનમાં રાખો.
  • હેરાન કરતા એકાઉન્ટને Block, Restrict, Mute અને Report કરો.
  • ફરિયાદ કરતા પહેલાં Screenshots, Username, Profile URL, Messages અને અન્ય પુરાવા સાચવી રાખો.
  • Cyber Stalking, Blackmail અથવા Online Abuseનો ભોગ બનતા હોવ તો ચૂપ ન રહો અને તાત્કાલિક ફરિયાદ કરો.

બ્લેકમેલ થાય તો પૈસા ન આપો

સાયબર ક્રાઈમ બ્રાન્ચની સલાહ મુજબ કોઈ વ્યક્તિ ફોટા, વીડિયો અથવા અન્ય અંગત માહિતીના આધારે બ્લેકમેલ કરે તો તેની માંગણી પૂરી કરવા માટે પૈસા ચૂકવવા કે વધુ ફોટા-વીડિયો મોકલવા નહીં. પુરાવા સાચવીને સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Report કરવું અને પોલીસને જાણ કરવી જોઈએ.

5 સ્ટેપ યાદ રાખો: STOP → SAVE → BLOCK → REPORT → SEEK HELP

STOP: ગભરાશો નહીં અને ધમકી સામે ઝૂકશો નહીં.
SAVE: Screenshots, Username, URL, Messages અને અન્ય પુરાવા સાચવો.
BLOCK: જરૂરી પુરાવા સાચવી લીધા બાદ આરોપીને Block અથવા Restrict કરો.
REPORT: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Account/Content Report કરો અને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવો.
SEEK HELP: વિશ્વાસુ વ્યક્તિ અને જરૂરિયાત મુજબ પોલીસ અથવા સાયબર ક્રાઈમ અધિકારીઓની મદદ લો.

સાયબર ગુનાની ફરિયાદ ક્યાં કરવી?

સાયબર ગુના (Cyber Crime)ની ફરિયાદ માટે National Cyber Crime Reporting Portal પર ફરિયાદ કરી શકાય છે. સાયબર નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક 1930 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

મહિલાઓને અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)બ્રાન્ચનો સંદેશ છે કે ઓનલાઈન હેરાનગતિ સહન ન કરો, પુરાવા સાચવો, ફરિયાદ કરો અને મદદ લો. ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને કોઈ તમને નિશાન બનાવે તો તેમાં તમારી ભૂલ નથી.


આ પણ વાંચો : જો તમે ડેટા ચોરીથી બચવા માંગો છો, આ હેકિંગ અને સાયબર ગુનાઓથી બચવું સરળ છે!

આ પણ વાંચો : સુરતમાં 3.80 કરોડના સાયબર ફ્રોડના ગુનાનો આરોપી ઝડપાયો

આ પણ વાંચો : રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ સંબંધી ગુનાહ ઉકેલવામાં સાયબર પોલીસ સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવશે!