Mohammed Shami: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાની કોર્ટે ભારતીય ફાસ્ટ બોલરને તેની વિમુખ પત્ની હસીન જહાંને પચાસ હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આલીપોર કોર્ટના જજ અનિંદિતા ગાંગુલીએ આ મામલે ચુકાદો સંભળાવ્યો. જો કે હસીન જહાં આ રકમથી ખુશ નથી. કારણ કે તેણે દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વર્ષ 2018માં હસીન જહાંએ 10 લાખ રૂપિયાના માસિક એલિમોનીની માંગ કરતી કાનૂની અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીન જહાંએ કહ્યું હતું કે તે અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ભરણપોષણ માટે દર મહિને 3 લાખરૂપિયા ઇચ્છે છે.
વર્ષ 2018માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના(Mohammed Shami) અંગત જીવનમાં ભૂકંપ આવ્યો હતો. શમીની પત્ની હસીન જહાંએ આ પીઢ પર ઘરેલુ હિંસા, મેચ ફિક્સિંગ, દહેજ ઉત્પીડન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ પત્નીના આરોપો પર ખુલાસો કર્યો હતો. બાદમાં શમી અને હસીન જહાં અલગ થઈ ગયા.
આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે, ‘હસીન અને તેના પરિવારના સભ્યો કહી રહ્યા છે કે તેઓ તમામ મુદ્દાઓ પર બેસીને વાત કરશે. પરંતુ મને ખબર નથી કે તેમને કોણ ઉશ્કેરે છે. અમારા અંગત જીવન વિશે જે ચાલી રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. મારી વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર છે. આ મને બદનામ કરવાનો કે મારી કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ છે.
ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર પ્રદર્શન 32 વર્ષના મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. આ દરમિયાન તેણે 6 ઓવરમાં માત્ર 18 રન આપ્યા અને ન્યૂઝીલેન્ડના 3 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા. શમીએ પ્રથમ ફિન એલનની વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે ડેરીલ મિશેલ અને માઈકલ બ્રેસવેલને પણ પેવેલિયન મોકલી દીધા હતા. શમીએ 29મી વખત વનડેમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી. આ શાનદાર પ્રદર્શન માટે શમીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શમી હવે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં જોરદાર રમત બતાવવા માંગશે. બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. વનડે સીરીઝ બાદ બંને દેશો ટી20 સીરીઝમાં પણ ભાગ લેશે જેમાં મોહમ્મદ શમી ભાગ નથી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે શમીની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.