Lifestyle: કહેવાય છે ને કે ‘પાણી પહેલા પાળ બાંધવામાં જ સમજદારી છે’, એ કહેવત ફક્ત આપણને જ નહિં પરંતુ, આપણા ઘરને પણ લાગુ પડે છે. ટાઢ, તડકા અને વરસાદથી રક્ષણ આપતું ઘર જ જો રોગોનું ઘર બની જાય તો?!! આ બાબતને વધારે વિસ્તારપૂર્વક જોઇએ તો, ઘરની દિવાલો (House Walls) પર ફૂટી નીકળતી સફેદ અને કાળા રંગની ફૂગ અર્થાત્ મોલ્ડ (Mold Fungi) વાસ્તવમાં રોગોનું મૂળ બની શકે છે. દેખાવે તો એ ગંદી લાગે જ છે પરંતુ, સ્વાસ્થ્ય (Health) માટે પણ એ એટલી જ જોખમી છે! ભેજ (Humidity)ના કારણે ચપોચપ ફૂટી નીકળતી અને આખા ઘરને બીમારીઓનું ઘર બનાવી મૂકતી આ ફૂગને આથી જ સાઇલેન્ટ કિલર (Silent Killer) પણ કહેવામાં આવે છે!

શું છે આ મોલ્ડ ફંગસ?
‘મોલ્ડ’ એ તમારા નિવાસસ્થાનની ભીંતો પર ઉગતી એક પ્રકારની ફૂગ છે જે તમને ખૂબ બીમાર બનાવી શકે છે. ખાસ કરીને, આવી ફૂગ આપણા બાથરુમ, કિચનની દિવાલો અને રસોડાના સિંકની આજુબાજુની દિવાલો પર થતી જોવા મળે છે. એ જગ્યાએ ભેજ હોવાને કારણે એમનો સરળતાથી વિકાસ થાય છે. આ લીલા, કાળા અથવા સફેદ રંગના મોલ્ડ, ઘરમાં જ્યાં-જ્યાં પણ ભેજ જમા થતો હોય ત્યાં-ત્યાં જોવા મળે છે.
નિષ્ણાત તબીબોના મતે, આવા ઘરમાં રહેતા લોકો ધીરે-ધીરે બીમાર પડવા લાગે છે અને એમને આનું કારણ સુદ્ધાં ખબર પડતી નથી! આથી જ મોલ્ડ ફૂગને ‘સાઇલેન્ટ કિલર’ કહે છે. જો કે, ડૉક્ટરની દવાથી આ બીમારી (Disease)ના લક્ષણો ઓછા થઇ જાય છે પણ જેવું દવા લેવાનું બંધ થાય કે તરત તમે ફરીથી બીમાર પડી શકો છો!
‘મોલ્ડ ટોક્સિસિટી’ (Mold Toxicity) નો અર્થ એ છે કે ઘરની ભીંતો પર રહેલી ફંગસ દ્વારા ઘરના સૌ પર થતું બાહ્ય સૂક્ષ્મ જીવોનું સંક્રમણ! ભેજ વધવાથી એ ઘરની છત, દિવાલો અને ફર્નિચર (Roof, Walls, Furniture) વગેરે પર ચપોચપ ફૂટી નીકળે છે અને સ્વાસ્થ્યને ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં એ જે ટૉક્સિન્સ છોડે છે જેનાથી શ્વસનતંત્ર અને ત્વચા સંબંધી કેટલીય સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત, ડૉક્ટરોના જણાવ્યા મુજબ, એનાથી અન્ય રોગો પણ થઇ શકે છે.
મોલ્ડ ફંગસ દ્વારા થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ

શ્વસનતંત્ર સંબંધી સમસ્યાઓ
મોલ્ડ એલર્જી (Mold Allergy)નું સૌથી મોટું જોખમ છે શ્વાસને લગતી તકલીફો! એનાથી શ્વાચ્છોશ્વાસની સમસ્યા (Breathing Problem) ઉપરાંત, સતત ઉધરસ આવવી, નાક બંધ થઇ જવું, ગળું પકડાઇ જવું, છીંકો આવ્યા કરવી વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ ગંભીર બાબત એ છે કે, મોલ્ડ ફૂગજન્ય વાતાવરણમાં રહેવાથી અસ્થમાના દર્દીઓ (Asthma Patients)ની પરિસ્થિતિ ઓર બગડી શકે છે!

ત્વચાની એલર્જી
મોલ્ડ ફૂગને કારણે આપણી ત્વચાને પણ અસર થાય છે. સ્કિન એલર્જી (Skin Allergy)ના જોખમો ઉપરાંત, ખંજવાળ, લાલ ચકામા તથા ચામડીમાં બળતરા થવી વગેરે લક્ષણો પણ ઉદભવી શકે છે. જે વ્યક્તિઓની ત્વચા અધિક સંવેદનશીલ હોય એમને તો વધારે તકલીફ થાય છે. વળી, એનાથી આંખો પણ પ્રભાવિત થઇ શકે છે અને એના લીધે આંખોમાં બળતરા થવી, આંખ લાલ થવી (Red Eyes) અને પાણી પડવું જેવી તકલીફો ઊભી થઇ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ નબળી થવી
ફૂગના વીજાણુઓના સંપર્કમાં વધુપડતા રહેવાથી વ્યક્તિની રોકપ્રતિકારક શક્તિ (Immunity) નબળી થઇ શકે છે. ઇમ્યુનિટી નબળી થવાથી રોગ થવાનું જોખમ વધી જાય છે અને વિશેષ રુપે બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ ઝડપથી બીમારીના શિકાર બની શકે છે.
માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ
ઘરમાં કે કાર્યસ્થળે જો આવી ફૂગ ફેલાયેલી હોય તો, આવા વાતાવરણમાં રહેનાર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય (Mental Health)ને નકારાત્મક અસરો થઇ શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, મોલ્ડના સતત સંપર્કમાં રહેવાથી ડિપ્રેશન (Depression), હાઇ લૅવલની એંગ્ઝાઇટી અને સ્મૃતિભ્રંશ અને એકાગ્રતાભંગ જેવી તકલીફો ઉપ્તન્ન થઇ શકે છે.
વધુપડતા થાકી જવું
આ એલર્જીને કારણે વ્યક્તિ કોઈ પણ જાતની વધારે મહેનત કર્યા વિના જ થાક લાગતો હોવાનું અનુભવે છે. એને સતત માથાનો દુ:ખાવો રહે છે અને આળસ પણ વધી જાય છે. એના લક્ષણો ગંભીર બને એ અગાઉ જ તબીબનો સંપર્ક કરવો જોઇએ નહિં તો, આ સમસ્યા વકરી શકે છે.

મોલ્ડ ફૂગથી રક્ષણના ઉપાયો (Tips)
1. ધ્યાન રાખો કે ઘરમાં ભેજનું સ્તર 50% થી ઓછું રહે.
2. ઘરની વિશેષ રુપે, છત અને ભોંયતળિયાની સાફ-સફાઇનુ ધ્યાન રાખવું.
3. સવાર-સાંજ ઘરના બારી-બારણા અમુક સમય સુધી ખુલ્લા રાખવા જેથી, તાજી હવા (Fresh Air) અને ઉજાસ (Sunlight) ઘરમાં પ્રવેશી શકે.
4. બાથરુમમાં એક્ઝૉસ્ટ ફૅન વાપરવો જોઇએ.
5. એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો જોઇએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:શું તમને ખબર છે કે વાસણોની પણ એક્પાયરી ડેટ હોય છે? આ 6 વાસણોને સમયસર બદલી દો…
આ પણ વાંચો:દાંત પર જામેલી પીળી છારીને હટાવો, આ ઘરગથ્થું ટિપ્સથી બનાવો સફેદ-ચમકદાર…!
