Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનૌ (Lucknow)માં એક નિવૃત્ત ન્યાયાધીશ (Retired judge) અને તેમની પત્ની વિરુદ્ધ તેમના ઘરકામ કરનારને હેરાન કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. રસોઈયા મહેશ નિષાદે ફાંસી લગાવીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહેશ નિષાદ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના અલીગંજ વિસ્તારમાં નિવૃત્ત ન્યાયાધીશ અનિલ શ્રીવાસ્તવ અને તેમની પત્ની વંદનાના ઘરે રસોઈયા (Cook) તરીકે કામ કરતો હતો. તે પોતાના પરિવારનો એકમાત્ર કમાતો દીકરો હતો. તેના પિતા વિકલાંગ છે અને આખું ઘર તેમની કમાણીથી ચાલતું હતું. લખનૌ પોલીસે ગુરુવારે કહ્યું કે તેણે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
નિવૃત્ત ન્યાયાધીશ અને તેમની પત્નીએ તાજેતરમાં નિષાદ પર હોળીની આસપાસ તેમના ઘરમાં ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સતત ઉત્પીડન” થી કંટાળીને, નિષાદે મંગળવારે તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી હતી જ્યારે તેના બે બાળકો સહિત પરિવારના અન્ય સભ્યો બહાર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પગલું ભરતા પહેલા, નિષાદે તેના મોબાઇલ ફોન પર એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાથી તે તેના પરિવારને ફરીથી નહીં મળે. વીડિયોમાં, મહેશે તેની માતાને કહ્યું હતું – ‘મમ્મી, આજ પછી હું તમને નહીં મળીશ કારણ કે હું આત્મહત્યા કરવાનો છું.’ તેણે એવો પણ દાવો કર્યો હતો કે ચોરી તેણે કરી નથી પણ કોઈ બીજાએ કરી છે.
‘ખોટા આરોપોને કારણે મહેશ દબાણમાં હતો’
દરમિયાન, નિષાદના પરિવારે આરોપ લગાવ્યો કે ખોટા આરોપને કારણે તે ખૂબ દબાણ હેઠળ હતો. નિષાદના પરિવારે સ્થાનિક પોલીસ પર પણ નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો. “મારા પિતા પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને પોલીસ પણ અમારી વાત સાંભળતી નથી,” નિષાદના સગીર પુત્રએ એક વીડિયોમાં આરોપ લગાવ્યો. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (હઝરતગંજ) વિકાસ કુમાર જયસ્વાલે સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, “નિષાદના પરિવારની ફરિયાદના આધારે, આરોપી દંપતી વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.”
જયસ્વાલે કહ્યું, “પોલીસે વીડિયોની નોંધ લીધી છે અને કેસની તપાસ શરૂ કરી છે. અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ. હકીકતો જાણવા માટે વીડિયોને ફોરેન્સિક લેબમાં પણ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.” પોલીસે જણાવ્યું હતું કે પતિ-પત્ની બંને સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા
આ પણ વાંચો:ભુવાના પ્રેમમાં અંધ યુવતીની હત્યા કે આત્મહત્યા ?
આ પણ વાંચો:બનાસકાંઠામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ
