Lifestyle: બોરિંગ લાગતી મગની દાળને એક સરસ ટ્વિસ્ટ આપીને નવા જ અંદાજમાં બનાવી જોઈએ. એને ખાધા પછી લોકો વારંવાર એને ખાવા ઈચ્છશે…આ છે મુંગદાલ ઠેચા (Moong Dal Thecha Recipe)…ઠેચા એક એવી રેસિપી છે જે મહારાષ્ટ્રીયન લોકો પરોઠા અથવા રોટલી સાથે ખાય છે અને જે મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર અને પ્રિયંકા ચોપરા ઉપરાંત ઠેચા પનીર (Thecha Paneer) તો શિલ્પા શેટ્ટી જેવી બોલીવુડ હસ્તીની પણ ફેવરિટ ડિશ છે!
મગની દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી
મગની દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે કારણ કે એમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ (Protein, Fiber, Vitamins and Minerals) ભરપૂર માત્રામાં હોય છે. પેટની સમસ્યા ઉદ્ભવે ત્યારે લોકો મોટાભાગે મગની ખીચડી ખાતા હોય છે કારણ કે એ પચવામાં હળવી હોય છે. આ ઉપરાંત, મગ-ભાત, મગના દાળવડા, મગની પાનેરી, મુંગદાલ ચીલા…વગેરે વાનગીઓ પણ બનતી હોય છે. આટલી બધી ફાયદાકારક મગની દાળ હોવ છતાંયે જ્યારે પણ ઘરમાં બને છે ત્યારે લોકો મોં બગાડે છે કે આ તો બીમારોનું ભોજન છે!

તો આ વ્યાખ્યાને થોડી બદલી નાખીએ…અને હવે આ બોરિંગ લાગતી મગ દાળને એક સરસ ટ્વિસ્ટ આપીને નવા જ અંદાજમાં બનાવી જોઈએ. એને ખાધા પછી લોકો વારંવાર એને ખાવા ઈચ્છશે…આ છે મુંગદાલ ઠેચા (Moong Dal Thecha)…આ નવીન પ્રકારની રેસિપીને એકવાર ટ્રાય કરો અને પછી તમે જ કહેશો કે આ તો લાજવાબ છે! ઝટપટ બની જતી આ ડિશ ટેસ્ટી (Traditional Dish) છે અને એ માટે ઘણી સામગ્રીની પણ આવશ્યકતા પડતી નથી…ઠેચા એક એવી રેસિપી છે જે મહારાષ્ટ્રીયન લોકો પરોઠા અથવા રોટલી સાથે ખાય છે અને જે મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર અને પ્રિયંકા ચોપરા ઉપરાંત ઠેચા પનીર તો શિલ્પા શેટ્ટી જેવી બોલીવુડ હસ્તીની પણ ફેવરિટ ડિશ છે!
ઠેચા એક મસાલેદાર મરાઠી શૈલીની વાનગી (Maharashtriyan Style Recipe) છે જેમાં ભારતીય પરંપરાગત સ્વાદ વાળી લીલા મરચાં, લસણ, મગફળી અને જીરું ભેળવીને બનાવેલી ચટણી બનાવવામાં આવે છે. આ ચટણીને ઠેચા તરીકે ઓળખવામાં આવે છે અને તેનાથી ગામઠી સ્વાદથી ભરપૂર મસ્ત દેશી ઠેચા બને છે જેને મોટાભાગે મહારાષ્ટ્રીયન ભાખરી (બાજરી, જુવાર કે ચોખાની બનેલી) અથવા તો રોટલી સાથે પીરસવામાં આવે છે

જો તમારા ઘરમાં પણ બધા મગની દાળ ખાવામાં મોં બગાડતા હોય તો તમે એમને લસણ, લીલા મરચાં અને મસાલાઓ સાથે મિક્સ કરેલી ચટપટી આ વાનગી ખવડાવો…સાધારણ ભોજનને પણ એ મજેદાર બનાવી દે છે. તમે એને લંચમાં કે ડિનરમાં ભાત, રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. આ રેસિપીને ફૉલો કરીને તમે ગણતરીની મિનિટોમાં જ એક સાઇડ ડિશ બનાવી શકો છો.
શી રીતે બનાવશો મુંગદાલ ઠેચા? (Moong Dal Thecha Recipe)
મુંગદાલ ઠેચા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1/2 કપ પલાળેલી અંકુરિત મગની દાળ અથવા અંકુરિત મગ
1/3 કપ શેકેલા સીંગદાણા
1/4 કપ છીણેલું તાજુ નારિયેળ
લીલા મરચાં સ્વાદાનુસાર
1 નાની ચમચી જીરું
5-6 લસણની કળીઓ
અડધા લીંબુનો રસ
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મગની દાળને પલાળીને અંકુરિત (Sprouted Moong Dal) કરી લો.
2. મગફળી (Peanuts)ને શેકીને એના ફોતરા દૂર કરી લો.
3. દેશી સ્વાદ માટે તમે મિક્સરમાં વાટવાને બદલે એક ખલદસ્તા વડે લીલા મરચાં, જીરું, સીંગદાણા, લસણને અધકચરું વાટી લો.
4. એમાં મગની દાળ અને છીણેલું નારિયેળ (Fresh Coconut) ઉમેરી એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને અધકચરું મિશ્રણ વાટી લો.
5. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઉપર લીંબુનો રસ ઉમેરી હલાવી લો.
જો તમે મિક્સર જારમાં આ બનાવો તો પલ્સ મોડ પર વાટવું જેથી મિશ્રણ બારીક ન થઈ જાય.
તો તૈયાર છે તમારી અનોખી મહારાષ્ટ્રીયન વાનગી…મુંગદાલ ઠેચા (Moong Dal Thecha)…જેને તમે ફુલકા રોટલી, પરોઠા અથવા તો સાદા ભાત સાથે સર્વ કરી શકો છો. એની સાથે સમારેલી ડુંગળી, સાંતળેલા આખા લીલા મરચાં અને લીંબુની સ્લાઈઝ પણ મૂકી શકો છો. તમે જો કેવળ દાળ-ભાત બનાવ્યા હોય તો સાથે આ રેસિપી અવશ્ય બનાવો જેથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જશે એમાં બેમત નથી!
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર ચાટ…એ પણ તેલ વિના! બ્રેકફાસ્ટ માટેની ઝટપટ રેસિપી…
આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…
