Ahmedabad News: ગુજરાતમાં ભાજપના નેતા મુકેશ ગુજરાતી (Mukesh Gujarati)ની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ફરી વિવાદ સર્જાયો છે. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા (Yatin Oza) અંગે ફેસબુક પર કથિત વાંધાજનક ટિપ્પણી કરતાં મામલો ચર્ચામાં આવ્યો છે. આ અગાઉ પણ મુકેશ ગુજરાતીએ હાઈકોર્ટના એક જજ અંગે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ થયો હતો. હાલની પોસ્ટને લઈને યતીન ઓઝાએ સીધો સોશિયલ મીડિયા જવાબ આપવાને બદલે કાયદાકીય માર્ગ અપનાવવાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને મુકેશ ગુજરાતી (Mukesh Gujarati)ને જવાબ આપીને વધુ મહત્વ આપવા માંગતા નથી.
અગાઉ જજ અંગેની પોસ્ટથી સર્જાયો હતો વિવાદ
મામલાની શરૂઆત સુરતના DCP રાજદીપસિંહ નકુમ સાથે જોડાયેલા એક કેસની હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ થઈ હતી. હાઈકોર્ટના વલણથી નારાજ મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર જજ અંગે ટિપ્પણી કરી હતી. તેમની પોસ્ટમાં તેમણે જજને વહીવટી બાબતો અંગે સવાલ ઉઠાવતા ચૂંટણીના મેદાનમાં આવવાની ટિપ્પણી કરી હતી. આ પોસ્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશનની તાકીદની બેઠકમાં મુકેશ ગુજરાતીની ટિપ્પણીને વખોડી કાઢવામાં આવી હતી. સાથે જ તેમને ભાજપના સંગઠનાત્મક પદ પરથી દૂર કરવા ભાજપ હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
Mukesh Gujaratiએ હવે યતીન ઓઝા સામે સોશિયલ મીડિયા પોસ્ટ
આ વિવાદ હજુ શાંત થયો ન હતો ત્યાં મુકેશ ગુજરાતીએ ફરી ફેસબુક પર બે પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે યતીન ઓઝાનું નામ લીધા વિના કથિત રીતે તેમના પર પ્રહાર કર્યો હતો. પોસ્ટમાં ‘ખહુરિયા કૂતરા’ જેવા શબ્દપ્રયોગનો ઉલ્લેખ થતાં વિવાદ વધુ વકર્યો છે. સાથે જ ‘પગ નીચે કચડી નાખીશ’ જેવી આક્રમક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ વકીલ વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

યતીન ઓઝાએ શું કહ્યું?
મુકેશ ગુજરાતી (Mukesh Gujarati)ની પોસ્ટ અંગે યતીન ઓઝા (Yatin Oza)એ જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની ભાષામાં જવાબ આપવા માંગતા નથી. તેમના જણાવ્યા મુજબ, તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. ઓઝાએ કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર મુકેશ ગુજરાતીને જવાબ આપીને તેમને વધુ મહત્વ આપવા માંગતા નથી. તેમના જણાવ્યા મુજબ, ન્યાયતંત્રની ગરિમા પર થયેલી કથિત ટિપ્પણીને કારણે એસોસિએશને કાર્યવાહી માટે ઠરાવ કરવો પડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે મુકેશ ગુજરાતીના મામલે કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં કરવામાં આવશે.
હાઈકોર્ટ વકીલ એસોસિએશન અગાઉ પણ મેદાનમાં આવ્યું હતું
મુકેશ ગુજરાતી (Mukesh Gujarati)ની અગાઉની પોસ્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં તેમની ટિપ્પણીને વખોડવામાં આવી હતી. એસોસિએશને મુકેશ ગુજરાતીને તેમના સંગઠનાત્મક પદ પરથી દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત રાજદીપસિંહ નકુમ સામેની હાઈકોર્ટની સુઓ મોટો કાર્યવાહી સંબંધિત મામલામાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરવાની પણ વાત કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચા
એક તરફ હાઈકોર્ટની કાર્યવાહી અને ન્યાયતંત્ર અંગેની ટિપ્પણીનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ અંગેની નવી પોસ્ટ સામે આવી છે. આ સમગ્ર મામલે હવે કાયદાકીય કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે અને ભાજપ સંગઠન તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે.
આ પણ વાંચો:DCP નકુમના બચાવમાં ભાજપ નેતાની હાઈકોર્ટના જજ સામે પોસ્ટ, વકીલોનો વિરોધ; પદ પરથી હટાવવાની માગ
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટ/ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદેથી યતીન ઓઝાનું રાજીનામું
આ પણ વાંચો:વકીલ યતીન ઓઝાની મુશ્કેલીમાં વધારો, HC એ ફટકારી આટલી સજા…
