india news/ BHU માં 70 વર્ષ પછી ખોલાયું સીલબંધ બોક્સ: 1000 વર્ષ જૂનું હાડપિંજર વારાણસીના પ્રાચીન ઇતિહાસ પરથી ઉઠાવશે પડદો

બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં 70 વર્ષથી લાકડાના બોક્સમાં સુરક્ષિત રખાયેલું 1000 વર્ષ જૂનું માનવ હાડપિંજર બહાર લાવવામાં આવ્યું છે. વિજ્ઞાનીઓ ડીએનએ અને આઇસોટોપ ટેસ્ટ દ્વારા વારાણસીના પ્રાચીન ઇતિહાસ અને પૂર્વજોના રહસ્યો ઉજાગર કરશે.

NATIONAL India Trending
Mysterious box opened at BHU

India News : કાશી (વારાણસી) ના પૌરાણિક અને વૈજ્ઞાનિક ઇતિહાસ સાથે જોડાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ અને રોમાંચક ઘટના સામે આવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં છેલ્લા સાત દાયકા (70 વર્ષ) થી એક લાકડાના બોક્સમાં સીલબંધ સ્થિતિમાં સચવાયેલું માનવ હાડપિંજર બહાર લાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે આ અવશેષો આશરે 1000 વર્ષ જૂના હોવાની સંભાવના છે. હવે આ હાડકાં પરથી ડીએનએ (DNA) ટેસ્ટ અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન કરીને સદીઓ પહેલા વારાણસીમાં વસતા લોકોની જીવનશૈલી અને વંશાવલીનો ભેદ ઉકેલવામાં આવશે.

1957 ના ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા અવશેષો

આ ઐતિહાસિક હાડપિંજર (Historical skeleton)વર્ષ 1957 માં મધ્ય ગંગા ખીણ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ ‘રાજઘાટ’ ખાતે હાથ ધરવામાં આવેલા ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. ત્યારથી જ આ અવશેષો BHU ના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગની સક્ષમ દેખરેખ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. વિભાગના વડા પ્રોફેસર એમ.પી. અહિરવારની વિશેષ પહેલથી આ બોક્સ ખોલીને પ્રાચીન માનવ અવશેષોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો નિર્ણય લેવાયો હતો.

CDFC હૈદરાબાદના વિજ્ઞાનીઓ દ્વારા સેમ્પલિંગ; આધુનિક ડીએનએ પરીક્ષણ કરાશે

હાડપિંજરની તપાસ માટે હૈદરાબાદ સ્થિત ‘સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ’ (CDFC) ના નિષ્ણાત ડૉ. પ્રજ્વલ પ્રતાપ સિંહના નેતૃત્વ હેઠળની વિજ્ઞાનીઓની ટીમે BHU ની મુલાકાત લીધી હતી. BHU ના પ્રાણીશાસ્ત્ર વિભાગના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેના જણાવ્યા અનુસાર, હાડકાં પર કોઈ કેમિકલ પ્રિઝર્વેટિવ્સ ન વાપરવામાં આવ્યા હોવાથી તે ડીએનએ પ્રોફાઇલિંગ માટે એકદમ યોગ્ય સ્થિતિમાં છે. વિજ્ઞાનીઓએ સેમ્પલ એકત્રિત કર્યા છે જેને હૈદરાબાદ, લખનૌ અથવા બેંગલુરુની ખાસ એડવાન્સ્ડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

રેડિયોકાર્બન ડેટિંગ અને આહાર પદ્ધતિ પરથી જાણવા મળશે પૂર્વજોના રહસ્યો

સંશોધકોના મતે આ હાડપિંજર કોઈ પુરુષનું હોવાના પ્રાથમિક સંકેતો મળ્યા છે. તેથી તેના વાય-રંગસૂત્ર (Y-chromosome) અને માતૃત્વ ડીએનએ બંનેના પરીક્ષણ દ્વારા તેના પૈતૃક તેમજ માતૃ વંશાવલીની કડીઓ મેળવવામાં આવશે.

આ સંશોધન મુખ્યત્વે બે ટેકનોલોજી પર આધારિત રહેશે:

રેડિયોકાર્બન ડેટિંગ અને પ્રાચીન DNA વિશ્લેષણ:ટેકનીકથી હાડપિંજરનો ચોક્કસ સમયગાળો તથા રાખડીગઢી (હડપ્પા સભ્યતા) જેવા પ્રાચીન દક્ષિણ એશિયાઈ જૂથો સાથેનો તેનો સબંધ સ્પષ્ટ થશે.

સ્ટેબલ આઇસોટોપ એનાલિસિસ: આ ટેકનિક વડે આશરે 1 હજાર વર્ષ પહેલાં તે વિસ્તારના લોકોનો ખોરાક અને આહાર પદ્ધતિ કેવી હતી તે જાણી શકાશે.


આ પણ વાંચો :તરુણ તેજપાલ દોષિત જાહેર; બોમ્બે હાઈકોર્ટે યૌન ઉત્પીડન કેસમાં ટ્રાયલ કોર્ટનો આદેશ પલટ્યો

આ પણ વાંચો :દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી હાહાકાર; ગુરુગ્રામમાં ઝાડ પડવાથી કાર દબાઈ

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના લેન્ડમાઈન નિષ્ક્રિય કરતી વખતે બ્લાસ્ટ, બે જવાન ઘાયલ