Gandhinagar News : ગુજરાત સરકારે (Gujarat Government)પંચાયતી રાજ (Panchayat Governance)વ્યવસ્થામાં પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પંચાયતોમાં ઑડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, પરંતુ આ સ્થિતિ હવે બદલાવા જઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે (Gujarat Government)પારદર્શક પંચાયતની દિશામાં મહત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ)ને સૂચના આપી છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપ્યો છે. સાથે જ આ નિર્ણયથી પંચાયતી રાજ વ્યવસ્થામાં નાણાકીય ગેરરીતિઓ પર લગામ લાગશે તથા પારદર્શકતા વધારવાની સાથે પ્રજાના નાણાંનું વધુ અસરકારક સંરક્ષણ થઈ શકશે.
કઈ રીતે કારગત નીવડશે ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ?
‘પારદર્શક પંચાયત’ માટે પ્રતિબદ્ધ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા. 28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી દીધી. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં જ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ફરજિયાતપણે એગ્ઝિટ કૉન્ફરન્સ યોજાશે.
તેમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઑડિટ અધિકારીઓ ઑડિટ દરમિયાન સામે આવેલી ગંભીર ગેરરીતિઓ (Irregularities)જ રજૂ કરશે. આ એગ્ઝિટ કૉન્ફરન્સમાં ઉચાપત, નિયમો વિરુદ્ધ થયેલી ખરીદી, ગેરકાયદેસર ભરતી, નાણાકીય અનિયમિતતા અથવા અન્ય ગંભીર વહીવટી ક્ષતિઓ અંગે સીધી ચર્ચા થશે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક શિસ્તભંગ, નિવારક અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાશે. આથી ઑડિટ માત્ર કાગળ પરની પ્રક્રિયા નહીં રહે, પણ ત્વરિત નિર્ણય અને જવાબદારી નક્કી કરવાનું અસરકારક માધ્યમ બનશે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારનો કડક સંદેશ
ગુજરાત સરકારે (Gujarat Government)છેલ્લા કેટલાક વર્ષોમાં વહીવટી પારદર્શકતા અને જવાબદારી વધારવા માટે અનેક સુધારાત્મક પગલાં લીધાં છે. પંચાયતોમાં ઑડિટ બાદ ફરજિયાત એગ્ઝિટ કૉન્ફરન્સ યોજવાની નવી વ્યવસ્થા પણ એ જ દિશામાં એક મહત્વનું પહેલ છે. આ નિર્ણય માત્ર ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ જ નથી આપતો, પણ પંચાયતી રાજ (Panchayat Governance)સંસ્થાઓને વધુ જવાબદાર, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. હવે ઑડિટ રિપોર્ટ ફાઈલોમાં અટવાઈ નહીં રહે, પરંતુ તે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીનો આધાર બનશે, જે અંતે ગ્રામ્ય વિકાસને નવી ગતિ આપશે અને પ્રજાના નાણાંની વધુ સુરક્ષા સુનિશ્ચિત કરશે.
ગામડાંના સામાન્ય નાગરિકોને થશે સીધો લાભ
આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો લાભ સામાન્ય ગ્રામજનોને મળશે. ગામના વિકાસ માટે ફાળવાયેલા જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય, તેની ખાતરી વધુ મજબૂત બનશે. ગેરરીતિ સામે વર્ષો સુધી રાહ જોવાને બદલે સમયસર કાર્યવાહી થવાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી માનસિકતા પર અસરકારક નિયંત્રણ આવશે. અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ જવાબદારીની ભાવના વધશે, કારણ કે ઑડિટ પૂર્ણ થયા બાદ તરત જ જવાબ આપવો પડશે. સાથે જ વિકાસના કામોમાં ગુણવત્તા વધશે, નિયમોનું પાલન વધુ કડક બનશે અને જાહેર નાણાંનો દુરુપયોગ અટકશે. જેના પરિણામે ગામડાંમાં રસ્તા, પાણી, સ્વચ્છતા, સામાજિક સુવિધાઓ અને અન્ય વિકાસકાર્યો માટે ફાળવાયેલા દરેક રૂપિયાનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકશે.
