Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક લેન્ડમાઈન નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે મેંઢર સેક્ટરના કાંગા ગલી વિસ્તારમાં બની હતી. બંને ઘાયલ જવાનોને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સેનાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કાંગા ગલી વિસ્તારમાં પહોંચી હતી. અહીં મળી આવેલી લેન્ડમાઈનને નિષ્ક્રિય કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં બે જવાનોને ઈજા પહોંચી હતી.
સુરક્ષા દળો દ્વારા LoC નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવા માટે અગાઉથી લેન્ડમાઈન ગોઠવવામાં આવે છે. જોકે, ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓને કારણે ઘણી વખત આ લેન્ડમાઈન પોતાના સ્થાનેથી ખસી જાય છે, જેના કારણે સમયાંતરે તેને શોધીને નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
આ ઉપરાંત, પૂંછના નલવા-દેગવાર તરવાન વિસ્તારમાં કામદારોને એક કાટ લાગેલું શંકાસ્પદ વિસ્ફોટક ઉપકરણ મળ્યું હતું. જાણ થતાં જ સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષિત રીતે તેનો નાશ કર્યો હતો.
બીજી તરફ, કાશ્મીરના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાંથી 45 ગોળા મળી આવ્યા છે. આ કાર્યવાહી સોપોર પોલીસ, CRPF અને સેનાની 5મી રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. શીયર કોલોની વિસ્તારમાંથી મળેલા આ ગોળાઓ અંગે સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.
સુરક્ષા દળો સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં વાદળફાટ, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, અને અચાનક પૂરથી ભારે નુકસાન
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભયાનક વિસ્ફોટ, મહારાષ્ટ્રના બે બહાદુર જવાનો દેશ માટે શહીદ
