નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો યથાવત રહ્યો છે, ત્યારે આ વચ્ચે યોગ ગુરુ બાબા રામદેવે દેશભરમાં ૩૫ થી ૪૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ વેચવાનો દાવો કર્યો છે.
બાબા રામદેવે આ અંગે જણાવ્યું હતું કે, “જો સરકાર મને અનુમતિ આપે છે, તો તેઓ દેશમાં ૩૫ થી ૪૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ વેચી શકે છે”.
એક બાજુ જ્યાં દેશમાં પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે પોતાના દાવા અંગે યોગ ગુરુએ જણાવ્યું, પેટ્રોલ – ડીઝલને GSTના સૌથી ન્યૂનતમ ટેક્સ સ્લેબમાં શામેલ કરવું જોઈએ”.
બાબા રામદેવે કહ્યું હતું કે, “વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિમતોએ દેશના સામાન્ય વ્યક્તિના ખિસ્સા ખાલી કરવાનું કામ કરી રહી છે. જયારે GSTમાં જો ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવામાં આવે તો પણ સામાન્ય વ્યક્તિને કોઈ રાહત મળવાની નથી”.
સરકારે દેશના અમીરો પર લાદવો જોઈએ વધુ ટેક્સ
તેઓએ વર્તમાન મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, “જૂ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાથી સરકારની તિજોરીમાં નુકશાન પહોચતું હોય તો તેની ભરપાઈ કરવા માટે દેશના અમીર વ્યક્તિઓ પર વધારે ટેક્સ લગાવીને કરી શકાય છે.
પેટ્રોલ અને ડીઝલમાં ભડકો રહ્યો યથાવત
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવવધારાના કારણે ઓઈલની કિંમતો આસમાને પહોચી ગઈ છે અને મોદી સરકાર સામે આ ભાવવધારાને લઈ અનેક પડકારો સામે આવી રહ્યા છે.
રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો. સોમવારે એક લીટર પેટ્રોલમાં થયેલી ૨૮ પૈસાની વૃદ્ધિ બાદ ૮૧.૯૧ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૧૮ પૈસાની વૃદ્ધિ બાદ ૭૩.૭૨ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.