દિલ્લી,
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણીને લઇ કોર્ટના ચાર વરિષ્ટ જજો આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને CJI વિરુધ પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે. ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ ચીફ જસ્ટિસ વિરુધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે.
ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુને મુલાકાત કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓના ૬૪ સાંસદોએ CJI વિરુધ મહાભિયોગ લાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા. CJI વિરુધ લાવવામાં આવેલા મહાભિયોગમાં વિપક્ષી પાર્ટીઓમાં કોંગ્રેસ, CPI, CPM, એનસીપી, બીએસપી, મુસ્લિમ લીગ અને સમાજવાદી પાર્ટી શામેલ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે આઝાદીના ઈતિહાસમાં આ પહેલીવાર મહાભિયોગ લાવવામાં આવ્યો છે પરતું આ પહેલા દેશની હાઇકોર્ટના ન્યાયાધીશો સામે પણ પોતાના પદના દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર સહિતના આરોપો સામે આવતા મહાભિયોગની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.
- આ પહેલા દેશના આ ૬ હાઇકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી :
૨૦૧૫માં ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ જે બી પદીવાલા સામે લાવવામાં આવ્યો મહાભિયોગ

વર્ષ ૨૦૧૫માં ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ જે બી પદીવાલા સામે પણ સંસદના ઉપલાગૃહમાં મહાભિયોગની પ્રક્રિયા ચલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ પર આરોપ હતો કે, તેઓએ આરક્ષણના મુદ્દે આપત્તિજનક ટિપ્પણી કરી હતી આ ઉપરાંત પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ વિરુધ પણ એક ચુકાદાને લઇ એક આરોપ હતો.
જો કે ત્યારબાદ આ નોટિસ રાજ્યસભાના ચેયરપર્શન હામિદ અંસારીને મોકલવાના ગણતરીના કલાકોમાં જ તેઓએ પોતાના ચુકાદા અંગે પોતાની ટિપ્પણી પરત લીધી હતી.
૨૦૧૧માં કલકત્તા હાઇકોર્ટના ન્યાયધીશ સૌમિત્ર સેન સામે લાવવામાં આવ્યો મહાભિયોગ

વર્ષ ૨૦૧૧માં કલકત્તા હાઇકોર્ટના ન્યાયધીશ સૌમિત્ર સેન સામે રાજ્યસભામાં મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. તેઓ વિરુદ્ધ એક ન્યાયાધીશ તરીકે વિત્તીય ગડબડી અને તથ્યોની ખોટી નિવેદન આપવા અંગે તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ સંસદના ઉપલાગૃહમાં તેઓ વિરુધ મહાભિયોગ ચલાવવા માટે મતદાન કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ લોકસભામાં ન્યાયધીશ સૌમિત્ર સેન સામે મહાભિયોગની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ તેઓએ રાજીનામું આપી દીધું હતું.
સિક્કિમ હાઇકોર્ટના ન્યાયાધીશ પી ડી દિનાકરણે મહાભિયોગની કાર્યવાહી શરુ થતા પહેલા આપ્યું રાજીનામું

સિક્કિમ હાઇકોર્ટના ન્યાયાધીશ પી ડી દિનાકરણ પર પણ જમીન પર કબ્જો, ભ્રષ્ટાચાર અને તેઓના પદના દુરુપયોગ કરવાના મામલે વિવાદોમાં સપડાયા હતા પરંતુ મહાભિયોગની કાર્યવાહી શરુ થતા પહેલા ૨૦૧૧માં તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના સામે પણ મહાભિયોગ ચલાવવા માટે કરવામાં આવી અરજી

આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ નાગાર્જુન રેડ્ડી સામે પણ મહાભિયોગ ચલાવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેઓ પર અન્ય એક દલિત ન્યાયાધીશને ટોર્ચર કરવા નાતે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.
આ વિવાદને લઇ રાજ્યસભામાં ૬૧ સાંસદોએ ન્યાયાધીશ નાગાર્જુન રેડ્ડી વિરુધ એક અરજી દાખલ કરી હતી. જો કે ત્યારબાદ આ સાંસદોમાંથી ૯ MPએ પોતાના હસ્તાક્ષર પરત લીધા હતા, જેઓએ આ ન્યાયાધીશ વિરુધ કાર્યવાહી શરુ કરવા માટે પ્રસ્તાવ આપ્યો હતો.
૧૯૯૩માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે શરુ કરાઈ હતી મહાભિયોગની કાર્યવાહી

જયારે ૧૯૯૩ની સાલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વી રામાસ્વામી સામે પણ મહાભિયોગની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. પરંતુ તેઓ વિરુધ સંસદના નીચલા ગૃહ લોકસભામાં લાવવામાં આવેલા મહાભિયોગના સમર્થન માટે જરૂરી ૨/૩ બહુમતીલાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
