સીબીઆઈના બે ઉચ્ચ અધિકારીઓના આંતરિક સંઘર્ષના કારણે આખી એજન્સીમાં ચકચાર મચી ગઈ છે. આમ તો સીબીઆઈ પહેલેથી જ વિવાદોનો અડ્ડો રહી છે. આવો જાણીએ કેટલાક વિવાદો વિષે ….
1 જયારે સુપ્રીમ કોર્ટે કહ્યું “પાંજરાનો પોપટ”
2013માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને “પાંજરાનો પોપટ” કહ્યો હતો. જસ્ટિસ આરએમ લોઢાએ કહ્યું કે, કોલસા કૌભાંડ બાબતે સીબીઆઈ તપાસમાં કેન્દ્ર સરકારની દખલગીરી ચોખ્ખી દેખાઈ આવે છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર વિરોધ પક્ષ દ્વારા તત્કાલીન સરકારની ખુબ ટીકા કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મેલી કથા છે, જેમાં ઘણા સાહેબો છે અને એક પોપટ છે.
2 સીબીઆઈ ચીફ રણજિત સિંહા વિરુદ્ધ ક્રિમિનલ કેસ
નવેમ્બર 2014માં તત્કાલીન સીબીઆઈ ચીફ રણજિત સિંહા વિરુદ્ધ એક પીઆઈએલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સિંહાએ એમના અધિકારનો દુરુપયોગ કર્યો અને ઘણા કેસોમાં આરોપીઓને એમના ઘરે મળ્યા હતા. કોર્ટે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર એમએલ શર્માને સિંહા વિરુદ્ધ લગાવાયેલા આરોપોમાં તપાસ કરવા કહ્યું હતુ. શર્માના રિપોર્ટના આધારે સીબીઆઈએ સિંહા વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.
3 એપી સિંહ વિરુદ્ધ ક્રિમિનલ કેસ
એપી સિંહ વિરુદ્ધ સીબીઆઈએ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. તેમના પર આરોપ લાગ્યો હતો કે, માંસ નિકાસકર્તા મોઇન કુરેશી લોકો પાસેથી સીબીઆઈના કેસો સેટલ કરવાના પૈસા માંગતો હતો, અને એવું કહેતો હતો કે, તેને સીબીઆઈ ચીફ એપી સિંહ સાથે નજીકના સંબંધો છે.
4 બંસલ પરિવારની આત્મહત્યા
સપ્ટેમ્બર 2016માં કોર્પોરેટ અફેરના પૂર્વ ડાયરેક્ટર બીકે બંસલ અને એમના પુત્રે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. બંસલ વિરુદ્ધ લાંચ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ બંસલની પત્ની અને પુત્રીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. એમણે સુસાઇડ નોટમાં સીબીઆઈના કેટલાક મોટા માથાઓ દ્વારા એમને ધમકી આપવા અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.