નવી દિલ્હી,
ચક્રવાતી તૂફાન “ડે” એ શુક્રવાર સવારે ઓરિસ્સામાં એન્ટ્રી લીધા બાદ રાજ્યમાં એનક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ જળમગ્ન થયા હતા. જો કે ત્યારબાદ આગળ વધી રહ્યું છે અને તેને લઈ હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
શુક્રવારે શિમલાથી લઇ હૈદરાબાદ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, આ સાથે જ હવામાન વિભાગ દ્વારા શનિવારે ૮ રાજ્યોમાં આ તૂફાનને લઇ એલર્ટ જાહેર કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચક્રવાતી તૂફાન “ડે” એ ઓરિસ્સાના મલ્કાનગિરીમાં નોધપાત્ર નુકશાન પહોચાડ્યું હતું. શુક્રવાર સવારે ઉત્તર – પશ્ચિમ બંગાળની ખાડીથી ઉપર બનેલુ ચક્રવાતી તૂફાન “ડે” ૨૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ – ઉત્તર દિશામાં ખુબ આગળ વધી રહ્યું હતું.
ચક્રવાતી તૂફાન “ડે” માત્ર ઓરિસ્સા પુરતું સીમિત રહ્યું ન હતું. આ તૂફાનના કારણે રાજધાની દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, “શનિવારે પણ ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદ થઇ શકે છે.
મહત્વનું છે કે, આ પહેલા ગુરુવારે મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં અધિકારીઓને કોઈ પણ સ્થિતિ પર નજર રાખવા અને તેનાથી નીપટવા માટે જરૂરી પગલા ઉઠાવવા માટેના આદેશ આપ્યા હતા.