બેંગલુરુ,
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની વાત કરવામાં આવે તો આ ભાવવધારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે હવે કર્ણાટક સરકાર દ્વારા લોકોને રાહત આપતા તેલની કિંમતોમાં ૨ રૂપિયાનો ઘટાડો કરવાની ઘોષણા કરાઈ છે.
મળતી માહિતી મુજબ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ગત સપ્તાહે જ નાણા મંત્રાલયને તેલના ભાવ ઘટાડવા અંગે વિચાર કરવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.
આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં ઘટાડવામાં આવ્યો વેટ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વાસીઓને રાહત આપતા તેલની કિંમતોમાં ૧ રૂપિયાનો ઘટાડો જયારે આંધ્રપ્રદેશની TDP સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરની રાહત આપવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ શાસિત રાજસ્થાનની વસુંધરા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ૪ ટકા વેટ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વેટ ઘટવાની આશા નહીવત : નીતિન પટેલ
બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટમાં ઘટાડો થવાની આશા નહીવત છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, “રાજ્ય સરકાર દ્વારા આ પહેલા જ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના નહીવત છે”.
તેઓએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વસૂલાતા વેટ અંગે જણાવતા જણાવ્યું હતું કે, દેશભરમાં ગુજરાત રાજ્યમાં જ ૨૦ ટકા ટેક્સ વસૂલાય છે, જયારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ વેટ ૨૫ થી ૩૦ ટકા છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી સ્પષ્ટ ના
બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની સ્પષ્ટ ના કહેવામાં આવી છે, ત્યારે પહેલેથી જ મોંઘવારીનો માર જીલી રહેલી દેશની જનતાને રાહત મળવાના અણસાર નહીવત જણાઈ રહ્યા છે.