નવી દિલ્હી,
૨૧ જુલાઈના રોજ કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં દેશની મહિલાઓ તેમજ નાના વેપારીઓને રાહત આપતા અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. ત્યારે હવે શનિવારે વધુ એક બેઠક મળવા જઈ રહી છે.
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં આ મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા પિયુષ ગોયલની અધ્યક્ષતામાં મળી રહેલી ૨૯મી બેઠકમાં દેશના નાના વેપારીઓ માટે વધુ કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ કેશબેકને લઈને પણ મહત્વના નિર્ણય થઇ શકે છે.
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવને GSTના ડાયરામાં લાવવા અંગેની ચર્ચાઓએ દેશભરમાં જોર પકડ્યું છે, ત્યારે GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા જ બિહારના નાયબ – મુખ્યમંત્રી અને જીએસટી કાઉન્સિલના સભ્ય સુશીલ મોદી આ મુદ્દે કહ્યું હતું કે, “સરકાર પેટ્રોલિયમ ઉત્પાદકોને GSTમાં લાવવા અંગે ત્યારે વિચાર કરશે, જયારે રેવેન્યુ માસિક ૧ લાખ કરોડ રૂપિયા કરતા વધુ થઇ જશે”.
જો કે જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શનમાં થયેલા વધારા બાદ આ ચર્ચાની આશાઓ વધી રહી છે. હાલમાં જ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જુલાઈ મહિનામાં ૯૬,૪૮૩ રૂપિયા GST ટેક્સ તરીકે આવ્યા હતા, જયારે જૂન મહિનામાં આ આંકડો ૯૫,૬૧૦ કરોડ રૂપિયા હતો.
આ મુદ્દાઓ પર પણ થઇ શકે છે ચર્ચા
પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત આ બેઠકમાં એડવાન્સ પેમેન્ટ પર GST ટેક્સ લગાવવા અંગે વિચાર કરવામાં આવી શકે છે, તેમજ સર્વિસને કમ્પોજીશન સ્કીમ હેઠળ લાવવામાં આવી શકે છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોખા, વાસણ, ઓટમીલ પર પણ GST ટેક્સ ઘટાડવામાં આવી શકે છે.
GST કાઉન્સિલની ૨૮મી બેઠકમાં કરાયા હતા મહત્વના નિર્ણય
મહત્વનું છે કે, ૨૧ જુલાઈએ મળેલી GST કાઉન્સિલની બેઠકમાં સેનેટરી નેપકિન ઉપરાંત સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પાંદડા જેવી વસ્તુઓને જીએસટીના ડાયરામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, વીડિયો ગેમ્સ લિથિયમ આયન બેટરી, વેક્યુમ ક્લીનર, ફ્રુડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હીટર, ડ્રાયર, પેન્ટ, વોટર કૂલર, મિલ્ક કૂલર, આઈસક્રી કુલર્સ, પરફ્યુમ, ટોઇલેટ સ્પ્રેને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા હતા.