કલકત્તા
લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર વિરુધ દેશની વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બ્યુગલ ફૂકવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ જ અરસામાં મિશન ૨૦૧૯ના ભાગરૂપે કલકત્તામાં આયોજિત કરાયેલા વિપક્ષી પાર્ટીના સૌથી મોટા જમાવડામાં દેશની રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓ પહોચ્યા છે.
આ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા એવા હાર્દિક પટેલ પણ ત્યાં પહોચ્યા છે. તેઓએ કહ્યું હતું કે, “દેશને બચાવવા માટે વિપક્ષ એકજૂથ થયો છે”. સાથે સાથે તેઓએ જણાવ્યું કે, “સુભાષ બાબૂ પહેલા ગોરાઓ સાથે લડ્યા હતા, હમણા આપડે ચોરો સાથે લડવાનું છે”.
બીજી બાજુ આ મેગા રેલીમાં દલિત નેતા એવા જીગ્નેશ મેવાણી પણ પહોચ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, “વર્તમાન સમયમાં દેશ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. વિપક્ષનું એકજૂથ થવું એક મોટો સંદેશ છે. દેશમાં ખેડૂતો, મજૂરો અને દલિતોનું શોષણ થઇ રહ્યું છે”.
આ ઉપરાંત મેવાણીએ જણાવ્યું, “દેશમાં બંધારણને સમાપ્ત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે”.
૪૦ લાખ લોકો રહેશે હાજર
માનવામાં આવી રહ્યું છે કે, કલકત્તાના બ્રિગેડ મેદાનમાં આયોજિત આ મેગા – શોમાં અંદાજે ૪૦ લાખ લોકો હાજર રહેવાના છે અને બપોર સુધી તેઓ આ વિશાળ મેદાનની એક એક ઇંચ જગ્યાને ભરી દેશે. આ મેદાનમાંથી જ કેન્દ્રની મોદી સરકાર વિરુધ હુંકાર ભરવામાં આવશે.
૨૦ પાર્ટીઓના નેતાઓ રહેશે હાજર
મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ મળી રહેલી ૨૦ પાર્ટીઓના નેતાઓ હાજર રહેવાના છે, જેમાં કોંગ્રેસ, જેડીએસ, નેશનલ કોન્ફરન્સ, NCP, RJD, SP, બસપા, ટીડીપી તેમજ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ શામેલ છે.
જો કે આ રેલીમાં YSRના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ હાજર રહેશે નહિ.