હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ ખૂંખાર આતંકવાદી સૈયદ અલાઉદ્દીનના પુત્રને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આજે સવારે શ્રીનગરના રામબાક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. હિઝબુલ ચીફના પુત્ર સૈયદ શકીલ અહમદની એનઆઈએએ મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરી છે.
તપાસ એજન્સી એનઆઈએએ આતંકી ફંડિંગ મામલે સલાઉદ્દીનના દીકરા શકીલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. શકીલ અહમદ લેબ ટેકનિશિયન છે, તે છેલ્લા ઘણા સમયથી આતંકી ફંડીંગની ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. તપાસ એજન્સી એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યુ કે, એનઆઈએની ટીમે સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં શકીલ અહમદને શ્રીનગરના રામબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ એનઆઈએએ શકીલ અહમદને ત્રણ તક આપી હતી, પરંતુ તેણે કોઈ જાણકારી ન આપતા તેની ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ ગત વર્ષે સૈયદ સલાઉદ્દીનના અન્ય એક દીકરો સૈયદ શાહિદની મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરી હતી. એનઆઈએએ શાહિદ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે.
સલાઉદ્દીન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે. હિઝબુલ કાશ્મીર સહિત દેશના વિવિધ ભાગોમાં આતંકી હુમલાઓ કરાવી ચુક્યુ છે. એપ્રિલ 2014માં જમ્મુ કાશ્મીરમાં થયેલ વિસ્ફોટની જવાબદારી હિઝબુલ મુજાહિદ્દીને લીધી હતી. આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા.