નવી દિલ્હી,
આજથી બે વર્ષ પહેલા ભારતીય સેનાના જવાનો દ્વારા કરાયેલું ખાસ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક. આજ દિવસ આતંકવાદીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાન માટે કાળ બનીને આવ્યો હતો અને દુશમન દેશની સુખ – શાંતિ ગણતરીના કલાકોમાં જ સમાપ્ત થઇ ગઈ હતી અને તૌબા પોકારી ઉઠ્યો હતો.
આ ખાસ ઓપરેશન બાદ વર્તમાન મોદી સરકાર દ્વારા ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવી ચુક્યો છે અને રાજકારણ રમવામાં આવ્યું છે, ત્યારે હવે સરકાર દ્વારા કરાયેલી આ રાજનીતિ અંગે સર્જિકલ સ્ટ્રાઈક સાથે જોડાયેલા સેનાના એક પૂર્વ અધિકારીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડ્ડાએ કહ્યું, “સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા પર પ્રારંભિક ઉત્સાહ જરૂરી હતો, પરંતુ આ અંગે જરૂરતથી વધુ પ્રચાર કરવામાં આવ્યો છે, તે અનુચિત છે.
તેઓએ વધુમાં કહ્યું, “આ મામલે જરૂરતથી વધુ મહત્વ આપવામાં આવ્યું. આ સેનાનું ઓપરેશન હતું અને અમારે આ કરવાનું હતું. હવે આ ઓપરેશન અંગે કેટલું રાજનીતિ કરવી જોઈએ. તે યોગ્ય છે કે અયોગ્ય, આ એક એવો પ્રશ્ન છે તે રાજનેતાઓને જ પૂછવું જોઈએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮- ૨૯ સપ્ટેમ્બરના રોજ લાઈન ઓફ એક્ચુલ (LAC) પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને આ સમયે લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડ્ડા ઉત્તરી સેનાના કમાન્ડર હતા.
શું હતું આ ઓપરેશન ?
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ રાતના ૧૨ વાગી રહ્યા હતા, ત્યારે MI-૧૭ હેલિકોપ્ટર દ્વારા ૧૫૦ કમાન્ડો LOC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પાસે ઉતારવામાં આવ્યા હતા. પૂંછથી એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ પર ૨૫ પેરા કમાન્ડો સવાર થઈને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં દાખલ થયા હતા
ભારતીય સેના દ્વારા આ દરમિયાન કુલ ૬ કેમ્પો પર અટેક કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેમાંથી ત્રણ કેમ્પોને પૂરી રીતે ક્ષતિગ્ર્રસ્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં કરાયેલી આ ખાસ જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય કમાન્ડો M ૪ જેવી રાઈફલ, ગ્ર્રેનેડ, સ્મોક ગ્રેનેડથી લેસ હતા. સાથે સાથે તેઓ પાસે અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, રાતમાં જોઈ શકાય એવા નાઈટ વિઝન ડિવાઈસ તેમજ હેલ્મેટ માઉન્ટેડ કેમેરા હતા.
૩૮ આતંકીઓનો કરાયો ખાત્મો
સર્જિકલ સ્ટ્રાઈકના આ ઓપરેશન દરમિયાન કમાન્ડોએ કોઈ પણ મૌકો ગુમાવ્યા વગર આતંકીઓ પર ગ્રેનેડથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન એકદમ જ અફરાતફરીનો માહોલ સર્જાતા તેઓએ ગ્રેનેડથી સાથે ફાયરીંગ પણ શરુ કરી દીધી હતી. જોત જોતામાં કમાન્ડોએ ૩૮ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા, તેમજ પાકિસ્તાન સેનાના ૨ જવાનોને પણ ઠાર કરાયા હતા.