નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પોતાને હિન્દુવાદી નેતા બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે તેઓનું દેશના હિંદુ મંદિરોમાં આવવા-જવાનું પણ વધી ગયું છે. આ કારણે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને મોટી લીડ મળી હતી,જયારે કર્ણાટકમાં પણ સત્તા વિરોધી લહેર હોવા છતાં ગઠબંધનવાળી સરકારનું પણ ગઠન થયું છે.
રાહુલ ગાંધી દ્વારા હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી હવે RSSને નિશાન બનાવી સનાતન ધર્મ અને પોતાના કટ્ટર હિન્દુત્વનું અંતર ઘટાડવા માંગે છે. ત્યારે હવે આ જ રણનીતિ મુજબ, તેઓએ લંડનમાં પણ RSS પર નિશાન સાધ્યું હતું.
લંડનમાં પોતાના સંબોધનમાં તેઓએ જણાવ્યું, “સંઘની વિચારધારા ભારતની વિચારધારા “આઈડિયા ઓફ ઇન્ડિયા”નું વિભાજન કરનારી છે જયારે ભારતીય સમાજ પોતાના માળખામાં બહુપક્ષીય છે”.
રાહુલ ગાંધીએ લંડન સ્થિત થિંક ટેંક ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીના એક કાર્યક્રમમાં RSS અંગે કહ્યું હતું. તેઓએ શુક્રવારે RSSની તુલના સુન્ની મુસ્લિમ સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, RSS ભારતની દરેક સંસ્થા પર પોતાનો કબ્જો જમાવવા ઈચ્છે છે અને તે દેશના સ્વરૂપમાં જ બદલવા માટે ઈચ્છે છે.
એન્ટની સમિતિનો રિપોર્ટ સામે આવ્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે દેશમાં સોફટ હિન્દુત્વની તરફ જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં અને ત્યારબાદ યોજાયેલી રાજ્યોની વિધાનસભા ચુંટણીઓમાં ભાજપના વિજય બાદ જ કોંગ્રેસ દ્વારા RSS અને ભાજપને અલગ કરીને સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, મુસ્લિમ બ્રધરહુડ મિસ્ત્રનું સૌથી જુનું અને સૌથી મોટું મુસ્લિમ સંગઠન છે, જેની સ્થાપના વર્ષ ૧૯૨૮માં હસન અલ-બન્નાએ કરી હતી.
આ સંસ્થાનો મુખ્ય ઉદેશ એ છે કે, દેશનું શાસન ઇસ્લામી કાયદો એટલે કે શરિયાના આધાર પર જ ચાલવું જોઈએ. આરબ દેશોમાં સક્રિય સંગઠન પર આતંકવાદી પ્રવત્તિઓને પણ વધારવાનો આરોપ લગતા આવ્યા છે. મિસ્ત્ર આ સંગઠન હાલમાં અવૈધ (ગેરકાયદેસર) ઘોષિત કરવામાં આવ્યું છે.
