કર્ફ્યું/ શ્રીલંકામાં દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો,PMના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી,જાણો

શ્રીલંકા  ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે,જેના લીધે પરિસ્થિતિ દેશની ખરાબ થઇ છે જેના લીધે  રાજધાની કોલંબોમાં સેનાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે

Top Stories World
6 6 શ્રીલંકામાં દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો,PMના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી,જાણો

શ્રીલંકામાં સોમવારે દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે,શ્રીલંકા  ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે,જેના લીધે પરિસ્થિતિ દેશની ખરાબ થઇ છે જેના લીધે  રાજધાની કોલંબોમાં સેનાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર સરકાર તરફી લોકોએ વિરોધીઓ પર હુમલો કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં 23 લોકો ઘાયલ થયા હતા.

સરકા વિરોધીઓએ સોમવારે કુરુનેગાલા શહેરમાં શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. આ ઘટના તેમના રાજીનામાના કલાકો બાદ બની હતી. અગાઉ, વિરોધીઓએ શ્રીલંકાના મોરાતુવા શહેરના મેયર સામન લાલ ફર્નાન્ડોના સત્તાવાર નિવાસસ્થાને પણ આગ ચાંપી હતી. વિરોધીઓએ મહિન્દા રાજપક્ષેની કેબિનેટના મંત્રી સનથ નિશાંતના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. રાજપક્ષેના રાજીનામા બાદ સરકારના સમર્થકોએ સરકાર વિરોધી વિરોધીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો.

મહિન્દા રાજપક્ષે વડાપ્રધાન પદ છોડી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. શ્રીલંકા પણ આ સમયે રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર આ આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે વચગાળાના વહીવટીતંત્રની રચના કરવાનું દબાણ વધી રહ્યું છે અને સતત દેખાવો થઈ રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આગામી સૂચના સુધી દેશવ્યાપી કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા માટે સેનાની ટુકડી પણ વિરોધ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. રાજપક્ષે ભાઈઓએ અત્યાર સુધી રાજીનામાની તેમની માંગ સ્વીકારવાના કોઈ સંકેત દર્શાવ્યા નથી.

આ પહેલા શુક્રવારે યોજાયેલી વિશેષ કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રપતિએ ઈમરજન્સી લાદવાની જાહેરાત કરી હતી. એક મહિનામાં આ બીજી વખત હતો જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી.

શ્રીલંકામાં આ ગંભીર આર્થિક સંકટ દેશમાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે છે. આનો અર્થ એ થયો કે દેશ અનાજ અને બળતણની આયાત માટે ચૂકવણી કરવા સક્ષમ નથી. તેના કારણે ટાપુ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે અને મોંઘવારી પણ આસમાને પહોંચી રહી છે. 9 એપ્રિલથી, દેશભરમાં વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે અને સરકારના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં રાજપક્ષે ભાઈઓના શાસક પક્ષના એક સાંસદ અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ)નું મોત થયું હતું. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પોલોનારુઆ જિલ્લાના સાંસદ અમરકીર્થી અતુકોરાલા પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરાયેલા હતા, પોલીસે જણાવ્યું હતું. લોકોનું કહેવું છે કે સાંસદની એસયુવીએ ગોળીબાર કર્યો હતો અને જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે તે ભાગીને એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. લોકોનું કહેવું છે કે સાંસદે પોતે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે.

કર્ફ્યુની સ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રીલંકન એરલાઇન્સે સોમવારે મુસાફરોને તેમની એર ટિકિટ અને પાસપોર્ટ ચેકપોઇન્ટ પર બતાવવા વિનંતી કરી હતી જેથી તેઓ બંદરનાઇકે ઇન્ટરનેશનલ એરપોર્ટ (બીઆઇએ) સુધી પહોંચે. શ્રીલંકન એરલાઇન્સે મુસાફરોને, ખાસ કરીને વિદેશી પ્રવાસીઓને ખાતરી આપતાં ટ્વિટ કર્યું છે કે, શ્રીલંકામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોલંબોથી રવાના થતા મુસાફરો BIA પહોંચવા માટે ચેકપોઇન્ટ પર સુરક્ષા કર્મચારીઓને તેમની એર ટિકિટ અને પાસપોર્ટ બતાવી શકે છે.