Not Set/ ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ – “કાળો કોશી”

ગુજરાતીમાં કાળો કોશી, હિન્દીમાં કોટવાલ કે ઠાકુરજી, એંગ્રેજીમાં Black Drongo કે Ashy Drongo કે Dicrurus Macrocercus તરીકે ઓળખાતો કાળો પણ કામણગારો નિર્ભય પોલીસ પટેલ એટલે “કાળો કોશી”

Ajab Gajab News Trending Mantavya Vishesh
kalo koshi ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ - "કાળો કોશી"

ગુજરાતીમાં કાળો કોશી, હિન્દીમાં કોટવાલ કે ઠાકુરજી, એંગ્રેજીમાં Black Drongo કે Ashy Drongo કે Dicrurus Macrocercus તરીકે ઓળખાતો કાળો પણ કામણગારો નિર્ભય પોલીસ પટેલ એટલે “કાળો કોશી”

સર્વાંગે સંપૂર્ણ કાળો અને કાળા કરતાં પણ વધારે કાળો એવી કાળાશથી ચમકીલું આ પક્ષી છે. તેની વિશિષ્ટ V આકારની ખાંચવાળી પૂંછડીના લીધે તરત જુદું પડે છે અને ઓળખાઈ જાય છે. થોડો પણ સૂર્યપ્રકાશ તેના શરીર અને પીંછાની આરપાર નીકળે અને સાથે સહેજ ભૂરા રંગની સુંદર ચમકીલી નયનરમ્ય ઝાંય દેખાય. માનવ વસાહતની આસપાસ રહેનારા પક્ષીઓમાંનું આ એક પક્ષી ઉષ્ણકટિબદ્ધ પ્રદેશ ભારતવર્ષમાં અને એશિયામાં વ્યાપક પ્રમાણમાં દેખાય છે.

આ રખેવાળ પક્ષી હિન્દીમાં કોટવાલ તેમજ ઠાકુરજી તરીકે ઓળખાતું પક્ષી છે. ૨૮ થી ૩૦ સેન્ટિમીટર ૯થી ૧૧ ઇંચનું લંબાઈનું હોય છે. તેમનામાં નર અને માદામાં ખાસ ફરક નથી લાગતો પણ માદા શરીરે થોડી પાતળી અને નાજુક હોય છે. તેમની પૂંછડી વિશિષ્ટ રીતે V આકારની ખાંચવાળી ધ્યાન આકર્ષક હોય છે. તેમની વિવિધ જાત છે અને બીજી પેટા જાત એશી/ Ashy Drongo ને જુઓતો એવું લાગે કે બંને જાત લગભગ એકસરખી દેખાય. થોડે દૂરથી જુવો ત્યારે બંને એક સરખા દેખાય. તેઓની ૭ પેટા જાતિ છે. આ પક્ષી એક વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે અને તેની એ રખેવાળીની વિશિષ્ટત કાબેલિયત અને ભારોભાર લાગણીને કારણે એને કેટલાક લોકો પોલીસ પટેલ કહે છે. આવા વિવિધ નામ ગામડાંઓમાં બહુ પ્રચલિત છે અને આ આવા નામ પાડવા પાછળ ચોક્કસ કારણો પણ છે.

તેનામાં પોતાના વિસ્તારના તેના જેવા નાના પક્ષીઓ, જે એકલા મોટા શિકારી પક્ષીઓની સામે બાથ ભીડવા સક્ષમ ન હોય, તેમનાં માળા અને બચ્ચા બચાવવાનું કામ કરવાની જવાબદારી માથે લઇ લે છે. પોતાના વસવાટ વિસ્તારમાં શિકારી પક્ષી આવે એટલે ચોક્કનું થઈને તેની સામે થઇ જાય, ઉડીઉડીને શિકરા, ગીધ, સમડી, કાગડા જેવા મોટા પક્ષીને માથામાં ચાંચ પણ મારે છે અને બીજા પક્ષીઓને સજાગ કરી દે છે. મોટા પક્ષીને શિકાર વિના ભગાડી દે છે. વિવિધ પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ તે કરી લે છે અને તેનાથી બીજા પક્ષીઓને ભય લાગે તે માટે નકલી અવાજ કરી પોતાના માળાથી દૂર રાખે છે.

WhatsApp Image 2021 01 08 at 5.25.06 PM ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ - "કાળો કોશી"
(ફોટો સૌજન્ય: સેજલ શાહ ડેનિયલ અને દિપક પરીખ)

ખેડુતની સુરક્ષા માટે હંમેશા તત્પરતાથી ફાળો આપે છે. માણસ આરામથી સૂતો હોય અને સાપ સુતા માણસ તરફ આવે તો પોતાની જવાબદારી સમજી ચીસાચીસ કરીને સાપને ભગાડે. તેમ છતાં સાપ માણસ તરફ ધસી જાય ત્યારે સુતા માણસને માથામાં ચાંચ મારી જગાડી દે અને માણસ પણ સજાગ થઇ જાય છે કારણકે માણસને કાળા કોશીની આવી કાબેલિયતની ખબર છે અને કાળો કોશી આવી રીતે સહઅસ્તિત્વની ભાવનાથી માણસ અને બીજા પક્ષીઓ સાથે જીવે છે. લોકોની સુરક્ષા કરતો હોઈ તે પોલીસ પટેલ તરીકે ઓળખાય છે. બહુ મોટું પરગજુ પક્ષી છે જેમાં તેઓ શિયાળામાં વિદેશથી આવેલા પક્ષીઓને પણ ખોરાક પૂરો પાડી પાછા સ્વદેશ જવા માટે સક્ષમ બનાવે છે. કાળો કોશી એ ખેડૂત મિત્ર છે. ખેડૂત ખેતી કરતો હોય, હળ ચલાવતો હોય કે આજના જમાનામાં ટ્રૅક્ટર ચલાવતો હોય અને ખેતર ખેડતો હોય તેવા સમયે હંમેશા ખેડુતની આસપાસ ફરતો હોય, ટ્રૅક્ટર પર બેસી જાય, હળ ઉપર બેસી જાય, ઢોર ઉપર કે ખેતીના નાના સાધન પર, જ્યાં પણ જગ્યા મળે ત્યાં એ આરામથી બેસે. ખેડૂત ખેડાણ કરે ત્યારે જમીનમાંથી જીવાત બહાર આવે તેને અચૂક આરોગી જાય. આમ ખેડૂત ના પાકને જીવાતથી નુકશાન થતું અટકાવે છે અને પોતે ખોરાક મેળવી લે.

WhatsApp Image 2021 01 08 at 5.25.07 PM ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ - "કાળો કોશી"
(ફોટો સૌજન્ય: સેજલ શાહ ડેનિયલ અને દિપક પરીખ)

પુષ્પમધુ એટલે કે મધુરસ ખોરાકમાં બહુ માફક આવે છે માટે મધુરસ વાળા ફૂલ હોય તેવા વિસ્તારમાં વધારે જોવા મળે છે. કાળો કોશી એક નિર્ભય પક્ષી છે અને એ પોતાનાથી ઘણા બધા મોટા પક્ષીના માથે ચાંચ મારી હુમલો કરતા અચકાતો નથી. દેખાવમાં જુઓ તો કાળો કોશી એક રુઆબદાર પક્ષી છે તેને બેઠેલો જુઓ તો છટાદાર વર્તણુક દેખાય. આવા કારણોસર તેને અંગ્રેજીમાં હુલામણું નામ King Crow છે. જરૂરી હોય ત્યારે શિકરા પક્ષીનો અવાજ કાઢીને કાગડા અને સમડી જેવા પક્ષીઓને બીવડાવે છે.
WhatsApp Image 2021 01 08 at 5.25.08 PM ફરી કુદરતના ખોળે : કાળો પણ કામણગારો, નિર્ભય પોલીસ પટેલ - "કાળો કોશી"
(ફોટો સૌજન્ય: સેજલ શાહ ડેનિયલ અને દિપક પરીખ)

કાળા કોશી નો માળો મુખ્યત્વે લીમડો, બાવળ જેવાં વૃક્ષોની બે ડાળીઓ જ્યાં જોઈન્ટ આવતો હોય તેવી જગ્યાએ બખોલમાં ડાળીઓ અને ઘાસફૂસ ભરીને અને માળો બનાવી લે છે અને એની આજુબાજુમાં પણ જુઓ તો બીજા શિકારી નહીં તેવા નાના પક્ષીઓના માળા પણ હોય. નાના પક્ષીઓ પણ સમજીને કાળા કોશીના માળા પાસે પોતાના માળા બનાવે છે. એ જ્યારે એક સ્થળ ઉપરથી બીજા સ્થળ ઉપર જાય તે જોવાની ખૂબ મજા આવે તેવો નજારો હોય છે. પાંખો થોડીવાર ચલાવી બંધ કરે અને પાછો ફરી પાંખો ચલાવે ને ફરી બંધ કરે એમ સેલારા મારતો ડાબી અને જમણી તરફ ડોક ફેરવી તે ગ્લાઈડિંગ કરી આરામથી ઉડતો જાય તેના ઉડાન દરમ્યાન ના મોજાની જેમ હવામાં લહેરાય અને આવી ઉંડાણના લીધે લાંબી પૂંછડીના કારણે ઉડાનની મોહકતા ઓર વધી જાય છે.

જ્યારે પ્રજનનની ઋતુ શરૂઆત થવાની હોય તેવા સમયે કાળોકોશી માદાને રીઝવવા માટે એ અવનવા કલબલાટ કરીને અવાજ કરે. જ્યારે ત્રણ થી ચાર ઈંડા માદા એક સાથે મૂકી શકે. માદા અને નર એક પછી એક ઈંડા સેવવાનું કામ વારા ફરતી વારો તેમ લગભગ ૨૧ દિવસ સુધી કરે છે. એક પછી એક બચ્ચા ઇંડામાંથી બહાર આવે તેટલે માં અને બાપ તેમના માટે ખોરાકમાં જુદા જુદા પ્રકારના જીવડાં, ઈયળ, તીતીઘોડા, મંકોડા ગરોળી, નારંગી રંગ સિવાયના પતંગિયા, ગોકળ ગાય, કરોળિયા, વંદા વગેરે ખવડાવી ઉડવા માટે સક્ષમ બનાવે છે અને એક બાજુ ને અને બીજી બાજુ માદા એમ રહી ઉડવાને કાબેલ બનાવે છે. જે બચ્ચા શરીરે થોડા ઘણાં જો નબળા જન્મ્યા હોય તો તેમની લાંબા સમય સુધી દેખરેખ રાખી પ્રેમથી ખવડાવી સક્ષમ બનાવે છે. ક્યારેક બીજો ખોરાક ન મળે તો દાણાં ખાતા પણ જોવા મળે છે.

તરવરાટ ભરેલું આ પક્ષી સવારે સહુથી વહેલાં જાગી જાય છે અને સહુથી છેલ્લે આરામ ફરમાવે છે. આ પક્ષી દેખાય છે તેના કરતાં કૈંક વધારે છે. કાબર અને ઢોર બગલાની સાથે વધારે જોવા મળે કારણકે તેમનો ખોરાક એક સરખો હોય અને ખોરાક મેળવવાની જગ્યા લગભગ એક સરખી હોય છે અને તેમ છતાં ક્યારેય કાબર વગેરેના શિકાર ખાઈ નથી જતું. દેખાવ કરતા પણ વધારે સુંદર તેનો આત્મા છે.

(ફોટો સૌજન્ય: સેજલ શાહ ડેનિયલ અને દિપક પરીખ)

“આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. 
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો”

@લેખક અને પક્ષીવિદ, જગત કીનખાબવાલા(સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…