Navsari Minor Girl Abuse Case: નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને સદંતર લજવતો એક અત્યંત શરમજનક અને કાળજા કંપાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે પિતાની છત્રછાયામાં દીકરી પોતાને સૌથી વધુ સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા તમામ હદો પાર કરીને રાક્ષસ બન્યો હોવાની ઘટના સામે આવી છે. નવસારી પંથકમાં એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર વયની દીકરી પર સતત ત્રણ દિવસ સુધી કુકર્મ ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવીને નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
Navsari : સગીરા પોતાની માતા આગળ રડી પડી
મળતી માહિતી અનુસાર, નરાધમ પિતાની હેવાનિયતનો ભોગ બનેલી 14 વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અને અમાનવીય અત્યાચારના કારણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરાએ પોતાની માતા આગળ હિંમત કરીને રડતા રડતા આખી આપવીતી જણાવી દીધી હતી. પોતાની વહાલસોયી દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને નરાધમ પતિ વિરૂદ્ધ કડક ગુનો દાખલ કરાવ્યો હતો.

Navsari પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને દબોચ્યો
પોલીસ મથકે પોતાની કરતૂતોની ફરિયાદ નોંધાતા જ પાપી પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતાં નવસારી પોલીસ તુરંત સુપર એક્શન મોડમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસે માસૂમ સગીરા પર અત્યાચાર ગુજારનાર પાપી પિતા વિરૂદ્ધ પોક્સો (POCSO Act) સહિતની વિવિધ કડક અને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
નરાધમને ફાંસીની સજા થાય તેવી માતાની ઉગ્ર માગ
પોતાની માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે નરાધમ પતિ સામે કાનૂની જંગ છેડનાર માતાએ ન્યાયતંત્ર પાસે ઉગ્ર માગ કરી છે કે આ પાપીને કાયદાના દાયરામાં કડકમાં કડક સજા થાય અને કોર્ટ તેને ફાંસીની સજા ફટકારે જેથી સમાજમાં એક દાખલો બેસે. આ શરમજનક ઘટનાને પગલે લોકો આ નરાધમ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે..
