NCERT Dancing Girl Idol Controversy 2026: સિંધુ ખીણની સભ્યતાના સૌથી મજબૂત પ્રતીક ગણાતી અને મોંહેજોદડોમાંથી મળી આવેલી 4600 વર્ષ જૂની ઐતિહાસિક તાંબાની મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ (Dancing Girl) ને લઈને દેશભરમાં એક નવો મોટો વિવાદ છેડાયો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9 ના પ્રથમ પાઠ્યપુસ્તક ‘મધુરિમા’ માં આ મૂર્તિના ચિત્રને ડિજિટલી મોડિફાય કરીને (કપડાં પહેરાવીને) તેનું આખું ધડ ઢાંકી દેવામાં આવ્યું હતું. આ આર્ટવર્ક સાથે થયેલી છેડછાડના સમાચાર બહાર આવતા જ શૈક્ષણિક અને ઇતિહાસ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે.
નગ્નતા છુપાવવાનો વિચિત્ર તર્ક અને દેશભરમાં વિરોધ
વર્ષોથી દેશના પાઠ્યપુસ્તકોમાં છેક ધોરણ-6 થી ધોરણ-9 સુધી અલગ-અલગ પ્રકરણોમાં આ પ્રખ્યાત મૂર્તિની(Dancing Girl) અસલી તસવીર છાપવામાં આવતી હતી, જેનાથી કેટલીય જનરેશન્સના સ્ટૂડન્ટ્સ ઇતિહાસ ભણી ચૂક્યા છે. જોકે, આ વખતે NCERT ની સમિતિ દ્વારા એવો વિચિત્ર તર્ક રજૂ કરાયો હતો કે 9મા ધોરણના બાળકોની ઉંમરને અનુરૂપ આ અનાવૃત્ત (નગ્ન) મૂર્તિ બતાવવી યોગ્ય નથી.
આ ફેરફાર સામે તીવ્ર વિરોધ ઉઠ્યા બાદ, NCERT ના પાઠ્યપુસ્તક વિકાસ સમિતિના વડા માઈકલ ડેનિનોએ પણ સ્પષ્ટતા કરી હતી કે, તેમને વ્યક્તિગત રીતે આ ચિત્ર ઉંમરને અનુરૂપ ન હોય તેવું લાગ્યું ન હતું, પરંતુ સમિતિના અન્ય સભ્યોના દબાણ અને વિચારધારાના કારણે આ નિર્ણય લેવાયો હતો. જોકે, ઇતિહાસકારો અને શિક્ષણવિદોના ભારે આક્રોશ અને સોશિયલ મીડિયા પર થયેલા હોબાળાને પગલે અંતે નમતું જોખીને NCERT એ પાઠ્યપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની(Dancing Girl) મૂળ ઐતિહાસિક તસવીર જ યથાવત્ રાખવાનો મોટો નિર્ણય લીધો છે.
શું છે આ ‘Dancing Girl’ મૂર્તિનો 100 વર્ષ જૂનો ઇતિહાસ?
મોંહેજોદડો સંસ્કૃતિની આ અદભુત તાંબાની (Bronze) મૂર્તિ વર્ષ 1926 માં એક બ્રિટિશ પુરાતત્વ અધિકારીને ખોદકામ દરમિયાન મળી આવી હતી.
માત્ર 10.5 સેન્ટિમીટર ઊંચી આ નાનકડી મૂર્તિ લૉસ્ટ-વેક્સ કાસ્ટિંગ (Lost-wax casting) ની અત્યંત એડવાન્સ ટેકનિકથી બનેલી છે, જે દર્શાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ ભારતની ધાતુ શિલ્પકળા કેટલી સમૃદ્ધ હતી.
મૂર્તિ સંપૂર્ણપણે અનાવૃત્ત છે અને તેના હાથમાં બંગડીઓ છે તેમજ તે એક ખાસ નૃત્યની ત્રિભંગ મુદ્રામાં ઊભેલી હોવાથી ઇતિહાસમાં તેનું નામ ‘ડાન્સિંગ ગર્લ’ (Dancing Girl) રાખવામાં આવ્યું હતું. ભારતીય ઇતિહાસના આ અનમોલ વારસાના ચિત્ર સાથે છેડછાડને લોકોએ ઇતિહાસને તોડવા-મરોડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ
આ પણ વાંચો:જય જય ગરવી ગુજરાત…’ગુજરાત સ્થાપના-ગૌરવ દિવસ’ના ઇતિહાસ અને મહત્વ અંગે જાણો…
આ પણ વાંચો: ભારત-પાક બોર્ડર પર આવેલું છેલ્લું ગામ તુર્તુક કેમ છે આટલું ફેમસ? જાણો ઇતિહાસ અને કેવી રીતે પહોંચવું

