Kodinar News : કોડીનાર પંથકના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને કોડીનાર ST ડેપો દ્વારા કોટડા–ઓખા વાયા સુત્રાપાડા અને ઘામળેજ નવી બસ સેવા (Bus Service)શરૂ કરવામાં આવી છે. નવી સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી ડિવિઝનના વિભાગીય નિયામક ભાવેશ પટેલના માર્ગદર્શન અને સૂચનાથી આ નવી બસ સેવા (Bus Service)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી મુસાફરો તરફથી આ રૂટ પર બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠી રહી હતી.

કોડીનાર વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાની રજૂઆત બાદ મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમરેલી વિભાગ દ્વારા નવા રૂટને મંજૂરી આપવામાં આવી હતી. બસ સેવાનો શુભ પ્રારંભ કોડીનાર નગરપાલિકાના પ્રમુખ શીવાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોડીનાર ST મથકના ડેપો મેનેજર હસમુખભાઈ ગોંડલિયા, ટી.આઈ. ધર્મેન્દ્રભાઈ નિમાવત, એટીઆઈ કરસનભાઈ મોરી સહિત ST વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
નવી બસ સેવા શરૂ થતાં કોડીનાર(Kodinar), સુત્રાપાડા, ઘામળેજ અને આસપાસના વિસ્તારના મુસાફરોને વધુ સરળ, સુવિધાજનક અને સમયસર પરિવહન સેવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રિકોને આ નવા રૂટથી મોટી રાહત મળશે.
