Gujarat News/ દેવાયત ખવડ મારફતે દબાણના આક્ષેપ કેસમાં નવો વળાંક: આનંદ યાજ્ઞિકના એફિડેવિટ બાદ DySP નીલમ ગોસ્વામી સામે તપાસના હાઈકોર્ટના આદેશ

દેવાયત ખવડ (Devayat Khavad) મારફતે દબાણના આક્ષેપ બાદ DySP સામે હાઈકોર્ટના તપાસના આદેશ. અમદાવાદ ગ્રામ્ય SPને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો.

Gujarat Ahmedabad Breaking News
Devayat Khavad

Ahmedabad: Devayat Khavad મારફતે દબાણના આક્ષેપ કેસમાં નવો વળાંક  અમદાવાદ ગ્રામ્ય પોલીસના DySP નીલમ ગોસ્વામી સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ કસ્ટડીમાં મારપીટના કેસમાં અરજદારોના વકીલ તરીકે હાજર રહેલા એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં એવો આક્ષેપ કર્યો છે કે તેમને કેસમાંથી હટી જવા માટે લોક કલાકાર દેવાયત ખવડ મારફતે દબાણ કરવામાં આવ્યું હતું. આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP)ને તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

Devayat Khavad મારફતે દબાણના આક્ષેપ કેસમાં નવો વળાંક

આ સમગ્ર મામલો સપ્ટેમ્બર 2025માં નોંધાયેલી એક પોલીસ ફરિયાદથી શરૂ થયો હતો. સાણંદ તાલુકાના ખોરજ ગામના પાંચ રહેવાસીઓ સામે મારામારીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ પાંચમાંથી ત્રણ આરોપીઓએ આરોપ લગાવ્યો કે પોલીસ કસ્ટડી (Custodial Torture Case)દરમિયાન DySP નીલમ ગોસ્વામી (DySP Neelam Goswami)અને અન્ય પોલીસ કર્મચારીઓએ તેમની સાથે મારપીટ કરી હતી. એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ હતી, જેમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક અરજદારો તરફથી રજૂ થયા હતા.

ગુજરાત હાઈકોર્ટે SPને તપાસ સોંપી

એડવોકેટ આનંદ યાજ્ઞિકના એફિડેવિટની નોંધ લઈને ન્યાયમૂર્તિએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકને સમગ્ર મામલે તપાસ કરીને આગામી સુનાવણી પહેલાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે (Gujarat High Court)આક્ષેપોની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ જરૂરી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, આ કેસમાં બાદમાં અરજદારોએ પોતાના વકીલ તરીકે આનંદ યાજ્ઞિકને હટાવી નવા વકીલની નિમણૂક કરી હતી અને કોર્ટમાં અરજી પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્ર, કાનૂની વર્તુળો અને રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. હાલ હાઈકોર્ટે માત્ર તપાસનો આદેશ આપ્યો છે અને આક્ષેપો અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકનો અહેવાલ રજૂ થયા બાદ આગામી સુનાવણીમાં કેસની આગળની કાર્યવાહી થશે. તપાસના પરિણામો બાદ જ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટતા થશે.


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : છૂટાછેડા બાદ પતિનું અવસાન, મહિલાને ફરી મળ્યો વિધવાનો દરજ્જો

આ પણ વાંચો:પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત: વરાછા પોલીસ સ્ટેશનમાં શર્ટથી ગળાફાંસો ખાઈ આપઘાત, મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડાયો

આ પણ વાંચો:ખંભાતના નગરા ગામે દેવાયત ખવડે શૌર્યરસ લલકાર્યો અને ભક્તોએ નોટો-સિક્કાઓનો અભિષેક કર્યો