ન્યૂઝીલેન્ડની ટીમે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ 9 વિકેટથી જીતી લીધી છે. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ માટે આ એક મોટી જીત છે, કારણ કે કીવી ટીમે 283 રનનો ટાર્ગેટ માત્ર 36.2 ઓવરમાં મેળવી લીધો હતો. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ મેચ સાથે થઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને 282 રન પર રોકી દીધું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે 283 રનનો ટાર્ગેટ ખૂબ જ ઝડપથી હાંસલ કરી લીધો હતો.
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ વહેલી પડી હતી. જોકે, રચિન રવિન્દ્રએ જોરદાર અડધી સદી ફટકારી હતી. ડેવોન કોનવેએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે તેને સદીમાં ફેરવી દીધું. રચિને તેની કારકિર્દીની પ્રથમ સદી પણ સરળતાથી પૂરી કરી હતી.
આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જો રૂટે 86 બોલમાં 77 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. રચિન રવિન્દ્રએ હેરી બ્રુકને આઉટ કર્યો હતો.