Ahmedabad news : માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે. આ મામલે ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું કે, રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના એસ. પી. નિર્લિપ્ત રાયે જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે. અલગ-અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાત લવાયો છે. આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કે. ટી. કામરીયા અને પીઆઈ આર.જી.ખાંટ પણ દુબઈ ગયા હતા. આ કેસમાં અગાઉ પી. આઈ. તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, થોડા સમય પૂર્વે તપાસ એજન્સીને જાણકારી મળી હતી કે, દીપક દુબઇમાં છૂપાયો છે. ત્યારબાદ કાયદાકીય રીતે તેની ધરપકડ કરીને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે જ ઇન્ટરપોલે દીપક ઠક્કર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ત્યારબાદ દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. દીપક ઠક્કર છેલ્લા સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે દુબઈ પોલીસે સંકલન સાધ્યું હતું અને પ્રત્યાર્પણ સંધિના આધારે વાત આગળ વધી હતી. દુબઈની કોર્ટે દીપક ઠક્કરને ભારત પરત મોકલવાની પરવાનગી આપી હતી. ત્યાર પછી દીપક ઠક્કરને લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દુબઈ ગઈ હતી. શનિવારે તેને સ્વદેશ લઈ આવવામાં આવ્યો છે.
દીપક ઠક્કર મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તેની ઉંમર લગભગ 43 વર્ષ છે. ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે તે સટ્ટો રમાડતો હતો. દીપક દુબઈમાં બેસીને સટ્ટાનું કામકાજ ઓપરેટ કરતો હતો. ત્યારબાદ હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. આ એપ્લિકેશન પર બે લાખ લોકો એક્ટિવ હતા. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી અનુસાર, દીપક ઠક્કર લોકડાઉન અગાઉ પહેલીવાર દુબઈ ગયો હતો, ત્યાં તેણે ફ્લેટ ભાડે લઈને ઓફિસ ખોલી હતી.
તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા, તે સમયે માધુપુરા વિસ્તારમાં 2300 કરોડથી વધુનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક પકડાયું હતું. માધુપુરામાં ઝડપાયેલુ સટ્ટાકાંડ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટાકાંડ છે. જેમાં ક્રિકેટના તાર દૂબઇ સુધી જોડાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ માધુપુરા સટ્ટાકાંડમાં સામેલ કેટલાક આરોપીઓ ભારત છોડીને દૂબઇ ભાગી ગયા હતા. જે તે સમયે આ કેસમાં 111 આરોપીની ઓળખ થઈ હતી, જેમાંથી 35ની ઝડપાઈ ગયા હતા તો 76 આરોપીઓ ફરાર હતાં. તેમાંથી જ એક આરોપી પાર્થ દોશી અમૃતસરથી ઝડપાયો હતો.
પાર્થ દોશી દુબઈથી પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાં જ SMCએ ઝડપી પાડ્યો હતો.પાર્થ દોશી માધુપુરા સટ્ટાકાંડ કેસનો 35મો આરોપી છે. ઓનલાઇન ક્રિકેટ સટ્ટા માટેની સુપર આઇડી આપનાર મુખ્ય સૂત્રધાર પાર્થ હોવાનું પણ સામે આવ્યું હતું. પાર્થ દોશી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આઇડી આપતો હોવાનું SMCની તપાસમાં સામે આવ્યું છે. તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપર માસ્ટર આઇ.ડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દૂબઇ ખાતે રહીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટર આઇ.ડી બનાવી વિવિધ વ્યક્તિઓને પુરી પાડતો હતો.
આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી
આ પણ વાંચો:વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયો, ફાયરે બચાવવા કર્યું આવું પણ….
આ પણ વાંચો:વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા
