Mehsana News: અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સર્જાયેલા ભારે ટ્રાફિક જામે હજારો વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. આ ટ્રાફિકમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) પણ ફસાઈ જતા પોલીસ તંત્ર સામે તેમનો આક્રોશ સામે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, કલોલ નજીક સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઈનના કામકાજને કારણે માર્ગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. રોડ ડાયવર્ઝન અને માર્ગની મર્યાદિત ક્ષમતાને કારણે સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહ્યા હતા.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિકની સ્થિતિ નિહાળતા તેમને હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી પોલીસ વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા બાદ નીતિન પટેલ (Nitin Patel) સીધા કલોલ DySP કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સમક્ષ તેમણે ટ્રાફિક વ્યવસ્થાપન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં માર્ગ પર ટ્રાફિક પોલીસ કેમ હાજર નહોતી અને વાહનચાલકોને કલાકો સુધી હાલાકી કેમ ભોગવવી પડી.
‘તમારા DSPને કહું છું’, Nitin Patelએ પોલીસ કર્મચારીઓને લગાવી ઝાટકણી
નીતિન પટેલે (Nitin Patel) ટ્રાફિકમાં બગડેલા સમય અને વધતા ઇંધણ વપરાશનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કટાક્ષભર્યા શબ્દોમાં જણાવ્યું હતું કે દેશભરમાં ઇંધણ બચાવવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ આવી ટ્રાફિક અવ્યવસ્થામાં લોકોનું પેટ્રોલ અને ડીઝલ વ્યર્થ વપરાય છે.
તેમણે પોલીસ અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટમાં જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સલાહ આપી હતી અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની પણ ચીમકી આપી હતી.
ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હાઈવે પર ટ્રાફિક હળવો કરવા માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી હતી. જોકે, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટનાએ હાઈવે પર ચાલી રહેલા વિકાસ કાર્યો દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ અને સંકલન અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા માટે અગાઉથી યોગ્ય આયોજન કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:“એક ભાઈ આગળ વધે તો ઈર્ષા નહીં, ગૌરવ અનુભવો”: નીતિન પટેલ
આ પણ વાંચો:મહેસાણામાં નીતિન પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
