Not Set/ નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

જ્ઞાતિવાદી વસ્તી ગણતરી પ્રશ્ને રજૂઆત બાદ તેજસ્વી યાદવની પ્રશંસા કરવી અને કેન્દ્રના પ્રધાનમંડળમાં જ દ (યુ)ના એક સભ્યને સ્થાન મળતા નારાજગી વ્યક્ત કરવા સહિતના બનાવો નીતિશકુમાર કશુંક નવું કરવાની વેંતરણમાં હોવાના સંકેત આપે છે

India Trending
ભાજપ અને જનતાદળ (યુ)ના

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને જનતાદળ (યુ) એન.ડી.એ.ના સંબંધો બાબતમાં છેલ્લા ત્રણ માસથી એવા બનાવો બન્યા છે કે જેના કારણે નીતિશકુમાર ફરી એકવાર રંગ બદલે તેવી અટકળોએ જાેર પકડ્યું છે. છેલ્લા છ માસમાં અનેક વખત આવા બનાવો બન્યા છે. તાજેતરમાં જનતાદળ (યુ)ની કારોબારીની બેઠકમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે નીતિશકુમાર પણ દેશના વડાપ્રધાનપદ માટે યોગ્ય વ્યક્તિ છે. આ સાથે ભાજપના કેટલાક નેતાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપ અને જનતાદળ (યુ)ના કેટલાક નેતાઓ વચ્ચે નિવેદનબાજી પણ શરૂ થઈ હતી. ત્યારબાદ જનતાદળ (યુ)ના રાષ્ટ્રીય પ્રમુખ લલનસિંહે એવો ખૂલાસો કર્યો કે નીતિશકુમાર દેશના આ સર્વોચ્ચ હોદ્દા માટે દાવેદાર છે તેવી વાત નથી, નીતિશકુમારે આટલા વષોમાં બિહારમાં જે કામગીરી કરી તે અત્યારે મોડલ બની છે અને એન.ડી.એ. સરકાર દ્વારા તેનો રાષ્ટ્રીય કક્ષાએ પણ અમલ કરવામાં આવ્યો છે. આ વિચાર માગે તેવી બાબત છે. નીતિશકુમાર બાબતમાં ભલે ગમે તે પ્રકારની સ્પષ્ટતા થઈ હોય પરંતુ કશુંક રંધાઈ રહ્યું છે તેવું તો ચોક્કસ લાગે છે.

himmat thhakar 1 નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

જ્ઞાતિ પર આધારિત વસતી ગણતરી બાબતમાં નીતિશકુમારે નિવેદન કર્યું હતુ. ત્યારબાદ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ લઈને દિલ્હી ગયા. આ પ્રતિનિધિ મંડળમાં ભાજપે પ્રદેશ પ્રમુખ કે બે નાયબ મુખ્યમંત્રીઓમાંથી કોઈને મોકલવાને બદલે એક જુનિયર આગેવાન અને રાજ્ય કક્ષાના પ્રધાનને મોકલવાનું પસંદ કર્યું હતું. આ પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સમગ્ર પ્રકરણની રજૂઆત કરી હતી. જો કે જાતિવાદી વસતિ ગણતરી બાબતમાં સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે પોતાનું વલણ હજી સ્પષ્ટ કર્યું નથી તે હકિકત છે. જ્યારે આ વખતે પ્રચાર માધ્યમો સમક્ષ સમગ્ર બાબત અંગે નીતિશકુમારે માત્ર પ્રસ્તાવના જેવી ટૂંકી વાત કરી હતી પણ મુલાકાતની વિગતો અને પત્રકારોના પ્રશ્નોના જવાબ તો તેજસ્વી યાદવે જ આપ્યા હતાં. આ એક વાસ્તવિકતા છે. હકિકત છે. નીતિશકુમારે બિહાર જઈને રાજદના આ નેતા અને લાલુપ્રસાદના પુત્રની કામગીરી પર પ્રશંસાના પુષ્પો પણ વેર્યા હતાં. આજથી છ એક માસ પહેલા જ્યારે તેજસ્વી યાદવ અને નીતિશકુમાર વચ્ચે લંબાણ મુલાકાત થઈ ત્યારે પણ નીતિશકુમાર મહાગઠબધનમાં એન્ટ્રી મારે છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ આવું બન્યું નથી તે હકિકત છે.

nitish kumar 1 નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

હવે આ બનાવ પહેલા પણ અનેક વખત આવા સંકેતો મળ્યા છે કે નીતિશકુમાર ભાજપથી નારાજ છે. કેન્દ્રના પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા શરૂ થઈ ત્યારે નીતિશકુમારે પોતાના પક્ષને ચાર સાંસદોને પ્રધાનમંડળમાં સ્થાન મળવું જાેઈએ તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી. પરંતુ આવું બન્યું નથી તે હકિકત છે. માત્ર એક જ આગેવાનને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું જેની સામે નારાજગી તો વ્યક્ત કરી જ હતી. નીતિશકુમારના નજીકના વર્તુળોએ એવો પણ દાવો કર્યો કે લોજપ એટલે કે લોકજનશક્તિ પાર્ટી અને અપનાદળ (યુપી)ના એક આગેવાન કે જેની સંખ્યા ૪ થી૫ સભ્યો છે છતાં એક પ્રતિનિધિ લેવાયો છે. જ્યારે લોકસભામાં ૧૭ સભ્યો ધરાવતા જનતાદળ (યુ) સાથે પણ આજ પ્રકારનો માપદંડ અપનાવવાનું વલણ શું સૂચવે છે ? તેવો પ્રશ્ન નીતિશકુમારના નિકટના વર્તુળોએ વ્યક્ત કર્યો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એન.ડી.એ. સાથે છેડો ફાડીને લોજપને અલગ ચૂંટણી લડાવી ફરજ પાડનાર ચિરાગ પાસવાન (રામવિલાસ પાસવાનના પુત્ર) સામે પગલાં લેવાની વાત તે વખતે પણ નીતિશકુમારે કહી હતી. પરંતુ આ પક્ષના વિભાજન બાદ ચિરાગ પાસવાનને પ્રધાનમંડળમાં સ્થાન ન આપ્યું તેટલી વાત પૂરતો નીતિશકુમારને સંતોષ છે પણ સાથોસાથ બિહારમાં જનતા દળ (યુ) અને નીતિશકુમારના પક્ષની ધારાસભ્યોની સંખ્યા ઘટી તે માટે નીતિશકુમારના નજીકના ટેકેદારો ચિરાગ પાસવાને જે મતો બગાડ્યા તેને જ જવાબદાર ગણે છે. જનતાદળની નજીકના વર્તૂળો કહે છે કે જેમ આવૈસીએ ચૂંટણી લડી બિહારમાં કોંગ્રેસને કદ પ્રમાણે વેતરી નાખી તે રીતે ચિરાગ પાસવાને નીતિશકુમારને વિધાનસભા ચૂંટણીમાં કદ પ્રમાણે વેતરી નાખ્યા છે તે હકિકત પણ એક વાસ્તવિકતા છે. તે વાતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.

nitish kumar 3 નીતિશકુમાર વધુ એક ‘ખેલ’ પાડવાની તૈયારીમાં !!

છેલ્લા છ-આઠ માસના સમયગાળામાં બીજા ઘણા બનાવો બન્યા છે જે નીતિશકુમાર એ જનતાદળ (યુ)ની નારાજગીનું કારણ બન્યા છે. તો બીજી બાજુ કેન્દ્રના કૃષિકાયદા બાબતમાં પણ પ્રારંભિક તબક્કામાં નીતિશકુમારે વિરોધનો સૂર કાઢ્યો હતો. પરંતુ ત્યારબાદ આ બાબતમાં ફેરવી તોળ્યું હતું. પોતાના જુના સાથીદાર અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ અવારનવાર કેન્દ્ર સામે કે કેન્દ્રની કેટલીક નીતિઓ સામે અવાજ ઉઠાવતા રહે છે તે પણ હકિકત છે. આ અંગે બિહારના ઘણા અખબારોએ આ બાબતની નોંધ લઈ લખ્યું છે કે નીતીશકુમાર જે બાબત પોતાને કહેવી હોય તે વાત જીતનરામ માંઝી મારફત કહેવાય તેવી સોગઠાબાજી ખેલે છે.નીતિશકુમાર ભાજપના ટેકા અને ભાગીદારીથી સત્તા પર આવ્યા હતાં. પછી ૨૦૧૩માં અલગ પણ પડ્યા. ૨૦૧૪માં એકલા હાથે લોકસભાની ચૂંટણીમાં સફળ ન થયાં એટલે ૨૦૧૬ની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવના રાજદ અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન કરી ભાજપને પછડાટ આપી સત્તા પણ મેળવી હતી. પરંતુ બે વર્ષના ગાળામાં તેજસ્વી યાદવ સાથે વાંધો પડતા પોતાના રાજીનામાનો ખેલ પાડી રાતોરાત ભાજપ સાથે ગઠબંધન કરી તેની ભાગીદારીમાં સરકાર રચી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ સાથે રહી લોકસભામાં પોતાની સભ્યસંખ્યા ૯ વધારી હતી. ૨૦૨૦ના અંતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નીતિશકુમારે મુખ્યમંત્રી પદ તો જાળવ્યું પણ બિહાર વિધાનસભામાં તેમન તાકાત ઘટી છે, ભાજપની વધી છે. તેના કારણે અમૂક નિર્ણયો તેમને ભાજપના દોરીસંચાર પ્રમાણે લેવા પડે છે. આ સંજાેગોમાં આ વાત નીતિશકુમારના સ્વભાવ વિરૂદ્ધ હોવાનું જનતાદળ (યુ)ના કેટલાક નેતાઓ માને છે. રાજકીય વર્તુળો પણ માને છે કે નારાજ નીતિશકુમાર ક્યારે પોતાનો રાજકીય ભાગીદાર ફેરવે એ નક્કી નથી.

મહામારીનો ડર / કોરોનાના એક નવા મ્યૂ વેરિઅન્ટે દીધી દસ્તક ! WHO એ કહ્યું- કોલંબિયાંમાં મળેલો આ વેરિઅન્ટ છે સૌથી ખતરનાક

અવસાન / વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન