Gujarat Visit/ એક પણ વ્યક્તિ એક પણ કામ લઈને મારી પાસે આવ્યો નથી. સમાજે આમ કરીને મોટો ટેકો આપ્યો: PM મોદી

PM મોદીએ કહ્યું કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું…

Top Stories Ahmedabad Gujarat
PM Modi Inaugurates

PM Modi Inaugurates: PM નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચ અને દહેજ અને આણંદમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ બાદ અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે.

PM મોદીએ કહ્યું કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે. PM મોદી સમાજના શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોદી શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ની એક અનોખી સંસ્કૃતિ વિકસાવી છે. એટલુ જ નહિ સમગ્ર દેશના જરૂરિયાતમંદ લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે. સમાજના દરેક વર્ગના હિતને ધ્યાને રાખીને સર્વપોષક, સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા આપી છે અને વિકાસની રાજનીતિનો માર્ગ દેશને PM મોદીએ બતાવ્યો છે. સરકાર તો સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિધા પહોંચાડે છે, પણ જ્યારે સામાજની સંગઠનશક્તિ ખભેથી ખભા મિલાવીને, સમાજ કલ્યાણ માટે આગળ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે અને પરિણામે મોદી શૈક્ષણિક સંકુલ જેવા જનહિત પ્રકલ્પોનું નિર્માણ થાય છે.

ભૂપેન્દ્ર પટેલે મોદી શૈક્ષણિક સંકુલની વિશેષતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મોઢ મોદી સમાજ ગુજરાતનાં નાનાં અને અંતરિયાળ ગામડાંઓમાં વસતો સમાજ છે. આ સમાજના યુવાનો-યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવે ત્યારે તેમને રહેવા જમવાની સગવડ આ સંકુલમાં મળી રહેશે. આધુનિક સુવિધા સાથેની 12 માળની હોસ્ટેલ તૈયાર થઇ ગઇ છે અને આગામી સમયમાં કોમ્યૂનિટી હોલ બનવાનો છે. PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણને આગળ લાવવા અથાગ પ્રયત્નો કરેલા છે. જેના કારણે બે દાયકા પહેલાં ગુજરાતનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 37 ટકા જેટલો હતો, જે આજે ઘટીને 2 થી 3 ટકા સુધી આવી ગયો છે. ગુજરાતમાં પહેલાં માત્ર 27 યુનિવર્સિટીઓ હતી. નરેન્દ્રભાઈએ ગુજરાતના યુવાનોને ઘર આંગણે જ વિશ્વકક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો અને પરિણામે આજે રાજ્યમાં 102 યુનિવર્સિટીઓ છે.

સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, અમદાવાદ એજ્યુકેશન હબ હોઇ સમાજના બાળકોને રહેવા ઉપરાંત શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી આ સંકુલનું નિર્માણ કરાયું છે. આ સંકુલ સમસ્ત મોદી સમાજ માટે ઉપયોગી પુરવાર થવા ઉપરાંત મોદી સમાજના તમામ વાડાઓ માટે એક્તાનું કેન્દ્ર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ દ્વારા નિર્મિત મોદી શૈક્ષણિક સંકુલ અનેક સુવિધાઓ ધરાવે છે. 4978 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ રિસેપ્શન એરિયા, ભવિષ્યમાં સમાજના બાળકો માટે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો માટેની જગ્યાનું પણ આયોજન, હોસ્ટેલ સંચાલક રૂમ જેવી સુવિધાઓ સાથે આકાર પામ્યું છે. આ ઉપરાત ગેસ્ટ રૂમ, રસોડું અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા છે. જ્યારે બીજાથી બાર માળ સુધી દરેક માળે 10 હોસ્ટલ રૂમ કુલ મળી 116 હોસ્ટેલ રૂમની વ્યવસ્થાઓ છે. આમ, સંકુલમાં 400થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રહેવાની સગવડ ઊભી કરવામાં આવી છે. અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડિંગનું ફેઝ-1નું સંપૂર્ણ કામ પૂરું થઇ ગયું છે. જયારે બીજા ફેઝમાં સમાજ માટે કોમ્યૂનિટી હોલ આધુનિક સુવિધા સાથે બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને વાહન વ્યવહાર મંત્રી તથા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પૂર્વ પ્રમુખ પૂર્ણેશ મોદી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદ નરહરિ અમીન, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પ્રમુખ સોમાભાઈ મોદી, સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ મોદી તેમજ મોદી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત પ્રવાસ/ ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે: પીએમ મોદી