જનતા ડિલ/ “પાણી નહીં તો વોટ નહીં” : ચૂંટણી ટાણે જનતા જાગી હોં…….

પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે. ત્યારે દિયોદરમાં જનતા જાગી ગઈ છે અને સરકારને ચીમટમાં લઈને નાક દબાવી રહી છે કે, જો પાણી નહીં તો વોટ પણ નહીં.

Top Stories Gujarat Others
પાણી

રાજ્યભરમાં પાણી પ્રશ્ન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શેહરમાં પણ પાણી કાપ લાદવામાં આવે છે તો બીજી તરફ ગામડામાં પણ ખેતી માટે પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે. ત્યારે દિયોદરમાં જનતા જાગી ગઈ છે અને સરકારને ચીમટામાં લઈને નાક દબાવી રહી છે કે, જો પાણી નહીં તો વોટ પણ નહીં. એક તરફ વિધાનસભાની ચૂંટણી દરવાજા ખટખટાવી રહી છે ત્યારે જો જનતાનો પાણી પ્રશ્ન હલ કરાશે નહીં ઉમેદવારોને મતથી હાથ ડ્રાય કરવા પડશે.

દિયોદરમાં પાણી મુદ્દે દિયોદરના વિવિધ ગામડામાં પોસ્ટર યુદ્ધ શરુ કરાયું છે. જેમાં સુજલામ સુફલામ કેનાલ પાણી છોડવાના મુદ્દે 100 ગામોમાં લાગ્યા પોસ્ટર લગાવી પોસ્ટર યુદ્ધ શરુ કરવામાં આવ્યું છે. હાલ તો માત્ર પાંચ તાલુકાના ગામડાનો પોકાર છે કે….”પાણી નહીં તો વોટ નહીં”. જો કે ઝડપથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રાજ્યભરમાં આ આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે. દિયોદરના ગામમાં સતત પાંચ દિવસથી ખેડૂત અને ખેડુત આગેવાનો ઢોલના તાલે નારા લગાવી દેખાવ કરી રહ્યા છે તો સાથે સાથે પોસ્ટર યુદ્ધનો મારો ચલાવી રહ્યા છે. બસ એક સૂત્ર છે કે પાણી નહીં તો વોટ પણ નહીં. અખાત્રીજના દિવસે દિયોદર ખાતે ખેડૂતોની વિશાળ રેલી અને ધરણા બાદ આવેદનપત્રની રણનીતિ હાલ રચાય છે.

ઉલ્લેખનીય છે કે આ પાણી પ્રશ્ન આજકાલનો નથી. ભૂતકાળમાં તો પાણીનો પ્રશ્ન કેટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેનું ઉદાહરણ જામનગરમાંથી સામે આવ્યું હતું. પાણીની સમસ્યા મુદ્દે સરપંચ દ્વારા કલેક્ટર ઓફિસ પટાંગણમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગરના દસાડાના કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા અપાતુ પાણી ન પહોંચતા કાળઝાળ ગરમીમાં મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી હતી. આથી દસાડામાં પીવાના પાણી અને ગંદકીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની પંચાયત કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો હતો. આ વિકટ સમસ્યાનો દસાડા ગ્ર‍ામ પંચાયત દ્વારા તાકીદે ઉકેલ નહીં આવે તો મહિલાઓ સહિતના ગ્રામજનો પંચાયત કચેરીમાં ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. લોકો પાણી વગર તરફડી રહ્યા હતા ત્યારે લોકો પાણી માટે તેનો જીવ આપવા પણ તૈયાર થયા હતા, રોડ ઉપર સરઘસ કાઢી રહ્યા છે ત્યારે એ હદે આ પરિસ્થિતિ કથળી રહી  છે ત્યારે હવે અધિકારીઓ અને પદાધિકારીઓએ સમજવું જ પડશે અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જ રહ્યો.

આ પણ વાંચો : આવો સ્થાપના દિવસે કુદરતના જતનનું પણ લઈએ….