@અમિત રૂપાપર
વર્તમાન સમયમાં પર્યાવરણ એક મોટો પડકાર છે કારણ કે, સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલોનો વ્યાપ સતત વધી રહ્યો છે અને પર્યાવરણને બચાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવનારા ઘટાદાર વૃક્ષો ખૂબ ઓછા થઈ રહ્યા છે. કોરોના મહામારીમાં લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું હતું કારણકે, જે પ્રકારે ઓક્સિજનની ખપત સર્જાઈ હતી તેનાથી લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું હતું.
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો એપાર્ટમેન્ટમાં કે, પછી હાઈરાઇઝમાં રહેતા હોય છે આ લોકો પોતાના ઘરમાં વૃક્ષો વાવવાતો માંગે છે પરંતુ જગ્યાના અભાવે વૃક્ષો વાવી શકતા નથી. લોકોને શોખ હોય છે કે, તેઓ આંબો, પીપળો, લીમડો અને વડ સહિતના વૃક્ષ પોતાના ઘરમાં રાખે પરંતુ આ વૃક્ષો ખૂબ જ મોટા અને ઘટાદાર થાય છે અને એટલા માટે લોકો આ વૃક્ષને પોતાના ઘરમાં રાખી શકતા નથી. આ જ વૃક્ષને બોંસાઈ પદ્ધતિથી મેન્ટેન કરીને પોતાના ઘરમાં રાખી શકાય છે એટલે કે મોટા વૃક્ષનું કદ ઘટાડીને પણ તેને પોતાના ઘરમાં ઉછેરી શકાય છે.
ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે છેલ્લા 30 વર્ષથી બોંસાઈ વૃક્ષ તૈયાર કરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ છે કુલીન સોરઠીયા. તેઓ છેલ્લા 30 વર્ષથી બોંસાઈ વૃક્ષ તૈયાર કરે છે. કુલિંગ સોરઠીયાએ વડ, ચીકુ, કાર્મોના, આંબો, પીપળો સહિતના બોંસાઈ વૃક્ષ તૈયાર કર્યા છે. આ વૃક્ષને સરળતાથી ઘરમાં રાખી શકાય છે અને ઘરની શોભા પણ વધારી શકાય છે. મહત્વની વાત છે કે આ વૃક્ષને મેન્ટેન કરીને પથ્થર પર કે, પછી અલગ અલગ પ્રકારના કુંડામાં પણ ઉછેરી શકાય છે.
બોંસાઈ વૃક્ષ તૈયાર કરવા માટે તેના બીજ અલગ નથી લાવવા પડતા પરંતુ સામાન્ય વડ, પીપળો, લીમડો કે, આંબાની કલમને પોતાના ઘરમાં કુંડામાં વાવી તેનો ઉછેર કરી તેને સમયસર કટીંગ કરી અને તારથી વાયરીંગ કરી વૃક્ષને સેપ પણ આપી શકાય છે અને કદમાં નાનું પણ કરી શકાય છે. આ બોંસાઈ વૃક્ષ સામાન્ય વૃક્ષની જેમ જ વર્ષો વર્ષ સુધી મોટા થાય છે પરંતુ તેમાં તફાવત એટલો હોય છે કે સામાન્ય વૃક્ષો કે જે ખુલ્લા મેદાનમાં કે ગાર્ડનમાં જોવા મળે છે. તેની હાઈટ 15 થી 20 ફૂટ જેટલી થાય છે અને આ બોંસાઈ વૃક્ષ માત્ર બેથી અઢી ફૂટ સુધીના મેન્ટેન કરી શકાય છે.
મહત્વની વાત એ છે કે, જે રીતે મોટા આંબા પર કે, પછી મોટા ચીકુના ઝાડ પર ફળ આવે છે તે જ પ્રકારે આ બોંસાઈ વૃક્ષમાં પણ ફળ આવે છે અને અન્ય વૃક્ષો જેટલો ઓક્સિજન આપે તેની સમકક્ષ જ અને પોતાના કદ અનુસાર આ વૃક્ષ ઓક્સિજન આપે છે. તમામ વૃક્ષને બોંસાઈ તરીકે ઉછેર કરી શકાય છે અને પોતાના ઘરમાં સુશોભિત કરી શકાય છે.
કુલીન સોરઠીયા છેલ્લા 30 વર્ષથી આ બોંસાઈ વૃક્ષ તૈયાર કરે છે અને પોતાના ઘરના ટેરેસ પર જ આ તમામ વૃક્ષોનો ઉછેર અને દેખરેખ કરે છે. તેમને જણાવ્યું હતું કે અન્ય શહેરોમાં અને અન્ય રાજ્યોમાં લોકો બોંસાઈ વૃક્ષ પ્રત્યે ખૂબ જાગૃત છે અને તેઓ આ વૃક્ષ પોતાના ઘરમાં પણ રાખે છે. એટલા માટે બોંસાઈ વૃક્ષની ડિમાન્ડ પણ અન્ય રાજ્યોમાં અને અન્ય શહેરોમાં ખૂબ સારી છે પરંતુ સુરતમાં લોકોને બોંસાઈ વૃક્ષ વિશે વધુ જાણકારી ન હોવાના કારણે સુરતમાં હજુ બોંસાઈ વૃક્ષની ડિમાન્ડ વધી નથી. બોંસાઈ વૃક્ષ લોકો ગાર્ડનિંગની થોડી માહિતી મેળવી પોતાની રીતે પણ તૈયાર કરી શકે છે. આ પદ્ધતિ કોઈ ખર્ચાળ નથી પરંતુ મોટા વૃક્ષને જ નાના કદમાં પોતાના ઘરમાં આ પદ્ધતિથી રાખી શકાય છે અને ઘરની શોભા વધારી શકાય.