Dharm & Bhakti: અંક શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર (Numerology & Astrology)માં માસ્ટર્સ નંબરને ઘણું મહત્વ આપવામાં આવેલું છે. 11, 22 અને 33ને માસ્ટર નંબર (Master Number) કહેવામાં આવે છે. જો તમારો પણ આ નંબર સાથે સીધો સંબંધ હોય તો તમે એની શક્તિ અને જીવનમાં આવનારા પડકારોનું અનુમાન લગાવી શકો છો. તો ચાલો, હવે જાણીએ આ વિશેષ અંકો વિશે વિસ્તૃત રીતે…
અંક શાસ્ત્ર અનુસાર તમારો માસ્ટર નંબર 11, 22, 33 છે કે કેમ એ શી રીતે જાણશો?
અંક શાસ્ત્રમાં આ માટે એક સરળ ગણતરી દર્શાવવામાં આવેલી છે.
અંક શાસ્ત્રમાં આ માટે એક સરળ ગણતરી દર્શાવવામાં આવેલી છે.
ઉદાહરણ તરીકે, તમારી જન્મતારીખ છે 18-05-1970
સ્ટેપ 1
તમારા જન્મનો મહિનો મે છે તો એનો અંક થશે 5
મે = 5
સ્ટેપ 2
હવે તમારી જન્મ તારીખનો સરવાળો કરો
18 = 1 + 8 = 9
સ્ટેપ 3
હવે તમારા જન્મ વર્ષનો સરવાળો કરો
1970 = 1 + 9 + 7 + 0 = 17
આ નંબરના બંને અંકનો સરવાળો કરો.
1 + 7 = 8
સ્ટેપ 4
હવે આ રીતે પ્રાપ્ત, જન્મનો મહિનો, જન્મ તારીખ અને જન્મ વર્ષ, ત્રણેય અંકોના સરવાળાને પણ જોડી દો.
5 + 9 + 8 = 22
સ્ટેપ 5
છેલ્લે 22 નંબર પ્રાપ્ત થયો એ તમારો લાઇફ પથ નંબર (Life Path Number) છે અને એ 22 હોવાથી તમે માસ્ટર નંબર ધરાવો છો એમ કહેવાશે.
આ જ રીતે એક અન્ય જન્મતારીખ જોઇશું, જેનો લાઇફ પથ નંબર (Life Path Number) 11 આવશે અને એ છે 21 જૂન, 1973…તમે આ રીતે ગણતરી કરીને ચકાસી શકો છો. આ જન્મ તારીખે જન્મેલા જાતક પણ માસ્ટર નંબર બનશે!
અંતે જે સરવાળો મળે, એ જો 11, 22 કે 33 હોય તો જ તમે આ માસ્ટર નંબર વાળા જાતક ગણાશો અન્યથા નહિં ગણાઓ!

અંક શાસ્ત્રમાં પ્રત્યેક નંબરનું પોતાનું એક ખાસ મહત્વ
અંક શાસ્ત્રમાં પ્રત્યેક નંબરનું પોતાનું એક ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોક્ત રીતે એવું માનવામાં આવે છે કે, માસ્ટર નંબરમાં અન્ય અંકો કરતા ઘણી શક્તિશાળી ઊર્જા, પ્રભાવ અને ઉત્સાહની અનોખી ક્ષમતા વિદ્યમાન હોય છે. આજે અહિં તમને આ જ અંકો સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો અંગે જણાવવા જઇ રહ્યાં છીએ…
1. માસ્ટર નંબર 11
સૌથી વધારે અંતર્જ્ઞાની આ અંકને માનવામાં આવે છે, આ નંબરને એક વિશેષ નામ મળેલું છે અને એ છે ‘ધ વિઝનરી’…નંબર 11 આધ્યાત્મિકતા (Spirituality) અને પ્રકાશનું પ્રતીક ગણાય છે, જે અવચેતન મન અને બ્રહ્માંડની ઊર્જાને સંલગ્ન રીતે નીરખે છે! આ નંબરની વિશેષતા તથા નિર્બળતા આ પ્રમાણે હોય છે…
11 અંકની વિશેષતા
અંક શાસ્ત્રમાં જે જાતકોનો મૂળાંક કે ભાગ્યાંક 11 હોય છે એ લોકો અત્યંત સંવેદનશીલ પ્રકૃતિના હોય છે અને તેમને ભાવિમાં ઘટનારી ઘટનાઓની અંત:સ્ફૂરણા (Intuition) પણ થતી જોવા મળે છે. જીવનમાં આગળ જતાં આવા લોકો ઉત્તમ દાર્શનિક અથવા તો આધ્યાત્મિક ગુરુ બને એવી સંભાવનાઓ અધિક હોય છે.
11 અંકની નિર્બળતા
આ મૂળાંક વાળા જાતકોમાં ગભરામણ કે તણાવની સ્થિતિ વધુ જોવા મળે છે, આ જ કારણે આ જાતકોએ પોતાની ઊર્જાને સંતુલિત રાખવી અત્યંત આવશ્યક છે.

2. માસ્ટર નંબર 22
આમ જોઇએ તો આ ત્રણેય અંક શક્તિશાળી હોય છે, પરંતુ 22 નંબરને સૌથી શક્તિશાળી અંક, માસ્ટર બિલ્ડર પણ કહેવામાં આવે છે. આ નંબરના મહત્વ વિશે વાત કરીએ તો, આ અંકના જાતકો જે સ્વપ્ન જુએ એને હકીકતમાં સાકાર કરવાની ક્ષમતા ધરાવતા જોવા મળે છે. 22 અંકમાં (2+2) અર્થાત્ 4 અંકનો વ્યવહારુ દ્રષ્ટિકોણ અને 11 ની અંતર્દ્રષ્ટિ બંને સામેલ હોય છે.
22 અંકની વિશેષતા
22 અંક ધરાવતા જાતકો કેવળ સપના જોતા નથી પણ એમને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ લોકોને ગમે તેટલા મોટા પ્રોજેક્ટો આપવામાં આવે તો પણ એ બાખૂબી સંભાળે છે. આ લોકો માટે અંક જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આ જાતકો મોટા નેતા (Leader) અથવા તો નિર્માતા બને છે!
22 અંકની નિર્બળતા
આ અંક ધરાવતા લોકો પર મસમોટી જવાબદારીઓ આવી પડતી જોવા મળે છે. જો પોતાની ક્ષમતાને યોગ્ય રીતે અમલમાં ન મૂકી શકે તો એમને ઘણા પડકારોનો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

3. માસ્ટર નંબર 33
અંક જ્યોતિષ શાસ્ત્રમાં માસ્ટર નંબર 33 ને સૌથી પ્રભાવશાળી અને પરોપકારી અંક ગણવામાં આવે છે. આ નંબરને અલ્ફા અને ઓમેગા તથા માસ્ટર ટીચર ના નામે પણ ઓળખવામાં આવે છે. આ અંક વાસ્તવમાં નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે જેમાં માસ્ટર નંબર 11 અને 22 બંનેની ઊર્જાનો સમન્વય છે.
33 અંકની વિશેષતા
આ અંક ધરાવનારા લોકો દયાળુ (Kind), રક્ષક અને અન્યોનું ભલું કરનારા ગણાય છે. આ લોકોને બીજાને કંઇક શીખવવાનું, સલાહ આપવાનું કે માનવતાના ઉત્થાન સાથે સંલગ્ન કાર્ય કરવાનું પસંદ હોય છે.
33 અંકની નિર્બળતા
અંક જ્યોતિષ અનુસાર, આ અંક સાથે સંબંધ ધરાવતા લોકો મોટા ભાગે બીજાના દુખને પોતાનું ગણીને સ્વયં મુસીબત વહોરી લેતા જોવા મળે છે.
નોંધ: જો તમારી જન્મ કોઇ પણ મહિનાની 11 અથવા 22 તારીખે થયો છે તો તમે માસ્ટર નંબર જ છો અને આ માટે આગળ ગણતરી કરવાની આવશ્યકતા નથી.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

